________________
136
શ્રી પ્રભાવક ચરિત્ર
પૂછ્યું કે –“હે ભગવન્! આ શું ?” ત્યારે સર્વજ્ઞ પ્રભુએ તેની આગળ તે દેવીના પૂર્વ ભવનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો અને પુનઃ જણાવ્યું કે –“આ ભવથી ત્રીજે ભવે એ નિર્વાણપદને પામશે. વળી અત્યંત સુગંધિ પુષ્પો અને ફળોથી સુરમ્ય અને ઈતર નગરોને જીતનાર એવું આ મૃગુપુર નગર એના સામર્થ્યથી અભંગ રહેલ છે.’
હવે પ્રતિદિન જિનપૂજા માટે સમસ્ત પુષ્પોને વીણી લેતાં તે દેવી લોકોમાં ઈતર દેવના પૂજનમાં સંતાપકારી. વિઘ્ન કરવા લાગી એટલે શ્રીસંઘની પ્રાર્થનાથી શ્રી આર્યસહસ્તસૂરિના શિષ્ય શ્રીમાનું કલહંસ સૂરિએ તેને સ્તંભીને તેમ કરતાં અટકાવી.
પછી સંપ્રતિ રાજાએ એ તીર્થના ચૈત્યનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાં મિથ્યાષ્ટિ વ્યંતરો ઉપસર્ગ કરવા લાગ્યા. એટલે શ્રીગુણસુંદરસૂરિના શિષ્ય કાલિકાચાર્યે પોતાના વિદ્યા બળથી તે વ્યંતરોને પચીસ યોજન દૂર કર્યા; ત્યારબાદ શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિથી પ્રતિબોધ પામીને વિક્રમાદિત્ય રાજાએ એ તીર્થનો ઉદ્ધાર કર્યો. પૂર્વે શ્રીકાલિકસૂરિએ સુદર્શના પાસે જે પ્રતિમા કરાવી હતી, આકાશમાં જતી તે પ્રતિમોને સિદ્ધસેન સૂરિએ અટકાવી.
શ્રીવીર ભગવંત નિર્વાણ પામ્યા પછી ચારસો ચોરાશી વર્ષે શ્રીમાનું આર્યખપુટાચાર્ય થયા. તે વખતે તેમણે મિથ્યાષ્ટિ દેવતાઓથી તથા બૌદ્ધ મતના વાદીઓથી અહીં શ્રીમુનિસુવ્રત સ્વામીના તીર્થનું રક્ષણ કર્યું. શ્રીવર્ધમાન સ્વામીના નિર્વાણ પછી આઠસો પીસ્તાલીશ વર્ષ જતાં તુર્કી રાજાઓએ વલ્લભીપુરનો ભંગ કર્યો અને ત્યાંથી ભૃગુપુરનો વિનાશ કરવા આવતા તેમને સુદર્શના દેવીએ અટકાવ્યા. શ્રીવીરનિર્વાણથી આઠસો ચોરાશીવર્ષ જતાં તે મલવાદી સૂરિએ બૌદ્ધો અને વ્યંતરોને પરાસ્ત કર્યા. શ્રીસાતવાહન રાજાએ એ તીર્થનો પુનરુદ્ધાર કરાવ્યો અને શ્રી પાદલિપ્તસૂરિ પાસે તેણે ત્યાં ધ્વજ-પ્રતિષ્ઠા કરાવી. તેમની આગળ પ્રત્યક્ષ થઈ, શ્રીમુનિસુવ્રત સ્વામી પ્રત્યે અસાધારણ ભક્તિને કારણે દિવ્ય શૃંગારને ધારણ કરતી સુદર્શના દેવીએ નાટક કર્યું. શ્રી આર્યખપુટાચાર્યના વંશમાં શ્રીવિજયસિંહસૂરિ થયા કે જે શમ, દમ, નિયમ, તપસ્યારૂપ લક્ષ્મીને નિવાસ કરવા માટે કમળ સમાન હતા.
એકવાર સંયમનો ઉદ્ધાર કરનાર એવા તે આચાર્ય મહારાજ, શ્રી શંત્રુજય, રૈવતાચલ વગેરે મુખ્ય તીર્થોપરના જિનેશ્વરોને વંદન કરવાની ઈચ્છાથી વિહાર કર્યો. તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા અને તીર્થસ્વામીના ધ્યાનમાં મનને લીન બનાવીને હળવે હળવે રૈવતાચલ તીર્થ પર ચઢવા લાગ્યા. શ્રી નેમિનાથ પ્રભુના એ તીર્થની રક્ષા કરવામાં સદા સાવધાન એવી અંબા નામે દેવી હતી. એટલે પ્રસંગોપાત તેનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે –
કાશ્યપ મુનિએ સ્થાપન કરેલ એવા કાસહદ નામના નગરમાં ચાર વેદનો પારંગામી એવો સર્વદેવ નામે એક બ્રાહ્મણ હતો. સતીઓમાં રત્ન સમાન એવી સત્યદેવી નામે તેની પત્ની હતી. તેમની અંબાદેવી નામે પુત્રી કે જે સુકૃતશાળી જનોમાં મુગટ સમાન હતી. તે યૌવનાવસ્થા પામતાં સોમભટ્ટ નામે કોટીનગરીના રહેવાસી વિપ્રને વરી કે જે કુળ, શીલ (સદાચાર) અને રૂપથી રમણીય હતો. પછી રમણીઓમાં અભિરામ એવી અંબાદેવીને પરણીને તે પોતાના નગરમાં આવ્યો અને અંતરમાં સંતુષ્ટ થયેલ તેણે મહોત્સવપૂર્વક પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં સાંસારિક સુખ ભોગવતાં નિર્દોષ એવી અંબાદેવીને કેટલાક કાલ પછી વિભાકર અને શુભંકર નામે બે પુત્રો થયા.