________________
130
શ્રી પ્રભાવક ચરિત્ર
- હવે પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા કે જે સાર્વભૌમ સમાન અને ગુણોના સ્થાનરૂપ હતો, તથા શ્રી કાલિકાચાર્યનો ભાણેજ અને યશસ્વી એવો બલમિત્ર નામે રાજા ભૃગુકચ્છ નગરમાં રાજ્ય કરતો હતો. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરો ઘાલ્યો, તેમાં બહાર રહેતાં બાર વરસ નીકળી ગયા; છતાં તેનાથી તે નગર લેવાયું નહિ એટલે ચિરકાળે પણ તે દુર્ગ (કિલ્લો) દુર્ણાહ્ય સમજીને તે કંટાળી ગયો, એવામાં નાગાર્જુને તેના મુખ્ય મંત્રીને જણાવ્યું કે – “અહો ! ભેદના પ્રયોગથી હું દુર્ગ લેવરાવીશ, માટે મને નગરમાં મોકલો.' ત્યારે મંત્રીએ એ વાત કબુલ કરતાં નાગાર્જુન સૈન્યમાંથી ચાલી નીકળ્યા અને ભાગવતનો વેષ લઈને નગરમાં દાખલ થયા. ત્યાં રાજભવનમાં જઈને તેણે રાજાને કહ્યું કે – “હે રાજન! જીર્ણ દેવમંદિરોનો ઉદ્ધાર કરાવતાં અને સત્કારપૂર્વક મહાદાન આપતાં મહાપુણ્ય ઉપાર્જન થાય છે તેથી આ દુર્ગરોધ ટળી જશે.'
એટલે દુર્ગરોધથી ઉદ્વિગ્ન બનેલ રાજાએ તેનું વચન સત્ય સમજીને તે પ્રમાણે કરવા માંડ્યું, કારણ કે આપત્તિકાળે ધર્મોપદેશ કાર્ય સાધનાર થાય છે; પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગોળાસહિત યંત્રો રચાવ્યા અને ધર્મસ્થાનો ભાંગવા માંડ્યા. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર કરતાં બલમિત્રનું સર્વ દ્રવ્ય ખલાસ થવા આવ્યું, પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતવાહન રાજાએ કિલ્લો લઈ લીધો અને રાજાનો નિગ્રહ કરીને તે પ્રમોદપૂર્વક પોતાના નગરમાં આવ્યો
એ પ્રમાણે સાતવાહન રાજા પોતાનું રાજ્ય ચલાવતો હતો, તેવામાં એકવાર તેના દ્વારે સંક્ષેપથી શાસ્ત્ર બોલનારા ચાર કવિ આવ્યા, એટલે પ્રતિહારે નિવેદન કરતાં રાજાની આજ્ઞાથી તે રાજભવનમાં આવ્યા અને શ્લોકનું એક એક ચરણ લઈને રાજાની આગળ બોલ્યા કે : -
"जीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिनां दया ।
बृहस्पतिरविश्वासः पांचालः स्त्रीषु मार्दवम्" ॥ १ ॥ એટલે – આત્રેય ઋષિએ જીર્ણ થયા પછી ભોજન કરવાનું કહેલ છે, કપિલ ઋષિએ પ્રાણીઓની દયા બતાવેલ છે, બૃહસ્પતિએ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવાનું કહેલ છે અને પાંચાલ કવિએ સ્ત્રીઓની સાથે મૃદુતા રાખવાનું કહેલ છે.
એ પ્રમાણે સાંભળતાં પ્રથમ પ્રશંસા કરીને રાજાએ તેમને મહાદાન આપ્યું ત્યારે તેમણે કહ્યું કે – ‘તમારો પરિવાર કેમ અમારી પ્રશંસા કરતો નથી ?'
એટલે રાજાએ ભોગવતી નામની વારાંગનાને કહ્યું કે – “હે ભદ્ર ! તું એમના વખાણ કર.”
તે બોલી – ‘પાદલિપ્તસૂરિ વિના હું બીજા કોઈની સ્તુતિ કરતી નથી, આકાશ માર્ગે ગમન કરવામાં સમર્થ વિદ્યાસિદ્ધ અને મહાક્રિયાયુક્ત એવા પાદલિપ્ત વિના અન્ય કોણ એવા ગુણોને ધરાવનાર છે !
એવામાં સંધિ વિગ્રહ કરાવનાર શંકર નામે કોઈ મત્સરી અને પાદલિપ્તના વખાણને સહન ન કરનાર રાજપુરૂષ કહેવા લાગ્યો કે “મરણ પામેલ જે જીવતો થાય, તેના પ્રગટ પાંડિત્યને અમે માનીએ છીએ. અન્ય તો આકાશમાં ઉડનારા પોપટ જેવા વિદ્વાનો ઘણા પડ્યા છે.”