________________
126
શ્રી પ્રભાવક ચરિત્ર
એટલે મહેન્દ્ર મહાત્મા બોલ્યા –“હે ભૂપાલ ! કુપિત થયેલા દેવોને હું શાંત કરીશ.' એમ કહી તે દેવ દેવીઓને ઉદેશીને કહેવા લાગ્યા કે – “હે સોળ વિદ્યાદેવીઓ ! ચોવીસ જૈન યક્ષો અને યક્ષિણીઓ ! હું તમને કહું છું કે - આ રાજાના અજ્ઞાનથી એ બ્રાહ્મણોએ જિનશાસનનો અપરાધ કર્યો, તેની તમે ક્ષમા કરો. મનુષ્યોની દૃષ્ટિ શું માત્ર છે?”
એમ મુનિએ કહેતાં દુર્લભ એવી દિવ્ય વાણી પ્રગટ થઈ કે - “એ બ્રાહ્મણો દીક્ષા ગ્રહણ કરે તો જ મુક્ત થઈ શકે, નહિ તો એમને જીવતા રહેવું પણ મુશ્કેલ છે.' પછી જળસિંચનથી તેમની વાણી મોકળી કરવામાં આવી અને વ્રતની વાત પૂછતાં તેમણે એ વચન અંગીકાર કર્યું. કારણ કે પોતાના જીવિતને કોણ નથી ઇચ્છતું? ત્યારે કણેરની બીજી સોટી ફેરવતાં મહેન્દ્ર મુનિ બોલ્યા કે – ‘ઉઠો,’ એટલે તરત જ પ્રથમની જેમ તે બધા સજ્જ થઈ ગયા. કારણ કે જૈનો અસાધારણ શક્તિ ધરાવે છે.
પછી રોમાંચિત થયેલ શ્રી સંઘ સાથે રાજાએ કરેલ મહોત્સવપૂર્વક મુનિ પોતાના ઉપાશ્રયમાં આવ્યા.
હવે તે બ્રાહ્મણોનો દીક્ષા–મહોત્સવ કરતા શ્રી સંઘને અટકાવતાં મહેન્દ્રમુનિએ જણાવ્યું કે – “એ બધું શ્રી આર્યખપુટાચાર્ય કરશે.'
ત્યારે શ્રી સંઘે કહ્યું – ‘તમે પોતે આવા પ્રભાવના નિધાન છો, તો તમારા ગુરુ કેવા હશે ?'
એટલે મહેન્દ્ર મહાત્મા બોલ્યા- “હું તેમની આગળ શું માત્ર છું? કે જેમણે ભૃગુકચ્છ પુરમાં માર્જરોથી ક્ષીરની જેમ બૌદ્ધ લોકો થકી અશ્વાવબોધ તીર્થનું રક્ષણ કર્યું; વળી વાદીરૂપ હસ્તીઓમાં સિંહ સમાન એવા શ્રી આર્યખપુટાચાર્યના અદ્દભુત મહિમાનું વર્ણન કરવાને કોણ સમર્થ છે? ચારિત્રરૂપ પત્થર પર આત્મારૂપ શ્રેષ્ઠ પાત્રમાં મદનને પીસી (નષ્ટ કરી) ને વૃદ્ધ સ્નેહ (તેલ) યુક્ત તપરૂપ અગ્નિની જવાળાથી વ્યાપ્ત, શુકલ ધ્યાનરૂપ જ્યોતિથી પરિપૂર્ણ એવા ઇન્દ્રિયનિગ્રહરૂપ કુંડમાં પ્રગટ રીતે પરિપક્વ કરવામાં આવેલ અને સર્વત્ર વ્યાપ્ત એવું જેમનું યશઃ સમૂહરૂપ વડે સજ્જનોને સ્વાદ લેવા લાયક છે તે ગુરુ તમારું રક્ષણ કરો.'
પછી શ્રી સંઘે અનુમતિ આપતાં મહેન્દ્ર મુનિ બ્રાહ્મણોને લઈને પૂજ્ય સૂરિ પાસે આવ્યા, એટલે આચાર્ય મહારાજે તેમને દીક્ષા આપી. એ પ્રમાણે શ્રી આર્યખપુટાચાર્યે જિનશાસનની પ્રભાવના કરી અને મહેન્દ્ર . ઉપાધ્યાય અદૂભુત પ્રસિદ્ધિને પામ્યા. અદ્યાપિ અશ્વાવબોધ તીર્થમાં જેમના સંતાનીય પ્રભાવક આચાર્યો વિદ્યમાન છે.
હવે પૂર્વે વર્ણવેલ ગુરુ પાસે પાદલિપ્તાચાર્યે તે ચમત્કારી શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો. તેમણે વિદ્વાનોના સંકેતના સંસ્કારયુક્ત એવી પાદલિપ્તા નામની ભાષા બનાવી કે જેમાં બીજા કોઈ ન સમજી શકે એવો અર્થ રાખ્યો. ત્યાં સભા સહિત કૃષ્ણ રાજા ભારે સંતુષ્ટ થયો, તેથી તેમના ગુણને લીધે આચાર્યને અન્ય સ્થાને જવા દેતો નહોતો. એમ અનેક રીતે શાસનની પ્રભાવના કરતાં પ્રાંતે અનશન આદરીને શ્રીઆયખપુટાચાર્ય સ્વર્ગે ગયા.
પછી તેમના પટ્ટધર મહેન્દ્ર મુનિ આચાર્ય થયા. તે સંયમયાત્રાપૂર્વક હળવે હળવે તીર્થયાત્રા કરવા લાગ્યા. હવે પૂર્વે પાટલીપુત્રમાં બ્રાહ્મણોને તેમણે બલાત્કારથી દીક્ષા અપાવી હતી, તે જાતિવૈરને લઈને બ્રાહ્મણો તેમના પર મત્સર ધરવા લાગ્યા. એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરુષો મોકલીને પાદલિપ્તસૂરિને વિનંતી કરી ત્યારે આચાર્યું વિચાર કરીને તેમને જવાબ આપ્યો કે – “હું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ.' એમ કહીને તેમને વિસર્જન કર્યા.