________________
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર
127
પછી રાજાને જણાવીને દિવસના પૂર્વ ભાગમાં આકાશમાર્ગે થઈને રત્ન સમાન દેદીપ્યમાન આકૃતિને ધારણ કરતા તે ભૃગુકચ્છ નગરમાં આવ્યા, અને પાપનો ધ્વંસ કરનાર તેઓ શ્રી મુનિસુવ્રત સ્વામીના મંદિરમાં ઉતર્યા. એટલે જાણે પૃથ્વી પર સૂર્ય આવેલ હોય તેવા તેમને આવેલ જાણીને લોકો કમળની જેમ આનંદ પામ્યા. કારણ કે તેમના દર્શન જ દુર્લભ હતા. ત્યારે રાજા આશ્ચર્ય પામીને સંઘ સહિત ભક્તિપૂર્વક ત્યાં આવ્યો અને તેણે ગુરુને નમસ્કાર કર્યા. આ વખતે સૌને અત્યંત આનંદ થયો, ત્યાં ગુરુએ શ્રી સંઘના હાથે અર્થીજનોને ઘણું ધન અપાવ્યું. એવામાં તેમને આકાશગામી જોઈને પેલા બ્રાહ્મણો બધા ભાગી ગયા.
પછી રાજા વિનયથી ગુરુને કહેવા લાગ્યો કે – “એક કૃષ્ણ ભાગ્યશાળી છે કે જેને આપ પૂજય મૂકતા નથી, અને અમે તો આપના દર્શનને પણ યોગ્ય શા માટે નહિ? માટે અમારા સુખના ખાતર આપ કેટલાક દિવસ અહીં રહો.
ત્યારે ગુરુ બોલ્યા - “હે રાજન્ ! તમારી પાસે રહેવું, તે પણ યુક્ત જ છે, પરંતુ સંઘનો આદેશ અને રાજાનો સ્નેહ અલંઘનીય છે. દિવસના પાછલા પહોરે ત્યાં જવાની તેની પાસે પ્રતિજ્ઞા કરેલ છે. તે પછી મારે હવે શત્રુંજય, ગિરનાર અને સમેતશિખર તથા અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે, તો તે ભૂપાલ ! પ્રેરણાથી પણ તું જૈનધર્મ પર ભક્તિ ધરાવજે.' એમ કહીને આકાશમાર્ગે તે યથાસ્થાને ચાલ્યા ગયા. પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં અપાર શ્રુતના પારંગામી એવા તે આચાર્ય સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં વ્રતના નિયમ પ્રમાણે વિહાર કરતાં પાદલિપ્તસૂરિ નિર્ભય એવી ઢંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારામાં મુખ્ય એવો નાગાર્જુન નામે તે ગુરુનો ભાવિ શિષ્ય હતો. તેનું ચરિત્ર આ પ્રમાણે છે –
ક્ષત્રિયોમાં મુગટ સમાન અને યુદ્ધ કર્મમાં કુશળ એવો સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હતો. તેની સુવ્રતા નામે પત્ની હતી. સહસ્ત્રફણા શેષનાગના સ્વપ્નથી સૂચિત અને પુણ્યના સ્થાનરૂપ એવો નાગાર્જુન નામે તેમનો પુત્ર હતો. તે ત્રણ વરસનો થયો, ત્યારે એક વખતે બાળકો સાથે રમત કરતાં એક બાળસિંહને વિદારી તેમાંથી કિંઈક ભક્ષણ કરતો તે પોતાના ઘરે આવ્યો ત્યારે પિતાએ તેનો નિષેધ કરતાં જણાવ્યું કે – “હે વત્સ ! આપણા ક્ષત્રિયકુળમાં નખીનખવાળા પ્રાણીનું ભક્ષણ કરવાની મનાઈ છે. એવામાં ત્યાં આવેલ એક સિદ્ધ પુરુષે વર્ણન કર્યું કે – “હે નરોત્તમ ! પુત્રના એ કર્મથી તું વિષાદ ન કર. જેનું રહસ્ય પામવું અશક્ય છે એવા સૂત્રના રહસ્યનો પણ એ જ્ઞાતા થશે.'
પછી બાલ્યાવસ્થામાં જ તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એવો નાગાર્જુન અદભુત કળાવાળા વૃદ્ધ પુરુષોનો સંગ કરવા લાગ્યો. ઘણી કલાઓ ગ્રહણ કરવાથી પર્વતો અને નદીઓ જેને ઘરના આંગણા જેવી અને દૂર દેશાંતર જેને પાડોશ જેવું થઈ પડ્યું. પર્વતોમાં પેદા થતી વનસ્પતિનો અભ્યાસ કરતાં તે ભારે રહસ્યજ્ઞાતા થયો અને સીસું, કાંસુ અને સુવર્ણનો અભ્યાસી થયો. રસસિદ્ધિ કરનાર ઔષધિઓનો તે સંગ્રહ કરવા લાગ્યો. હડતાલ (તાડ) નું સત્ત્વ, ગંધકનું ચૂર્ણ, અભ્રક (અબરખ) નો દ્રવ તથા પારાનું કારણ મારણ જાણવામાં તે અસાધારણ નીવડ્યો અને દુઃસ્થિતિને છેદનાર થયો. રસસાધનમાં નિષ્ણાત એવો નાગાર્જુન સહસ્ત્ર, લક્ષ અને કોટિપુટ રસાયન બનાવવામાં તે નિપુણ બન્યો.
એવામાં મહીતલપર ભ્રમણ કરતાં એકવાર નાગાર્જુન પોતાના નગરમાં આવ્યો. ત્યારે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન એવા પાદલિપ્તસૂરિ તેના જાણવામાં આવ્યા. એટલે પર્વતભૂમિમાં નિવાસ