________________
118
શ્રી પ્રભાવક ચરિત્ર
એટલે તેના પ્રજ્ઞાતિશયથી ગુરુ મહારાજ ભારે સંતુષ્ટ થયા. પછી હૃદયના અત્યુલ્લાસથી ઓતપ્રોત થયેલા ગુરુ વિચાર કરીને તેની આગળ બોલ્યા કે – “પાદલિપ્ત તમે આકાશગામિની વિદ્યાથી વિભૂષિત થાઓ” એમ કહીને દશમે વર્ષે ભારે ગૌરવ પૂર્વક ગુરુ મહારાજે તેમને તેજસ્વી પુરુષોના કષપટ્ટ સમાન એવા પોતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા.
પછી એકવાર ગુરુ મહારાજે અસાધારણ અતિશયના નિધાનરૂપ એવા પાદલિપ્ત સૂરિને પ્રભાવ ફેલાવવા માટે અને શ્રી સંઘના ઉપકાર નિમિત્તે મથુરા નગરીમાં મોકલ્યા. એટલે ત્યાં કેટલાક દિવસ રહીને તે પાટલીપુર માં ગયા, કે જ્યાં મુરંડ નામે રાજા રાજ્ય કરતો હતો. એક વખતે કોઈ પુરૂષે ગોળાકારે ગુંથેલ, આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને જેના પ્રાંત ભાગ ગુપ્ત કરી દીધેલ એવો દડો રાજાને ભેટ કર્યો. એટલે રાજાએ પ્રજ્ઞાની પરીક્ષા કરવાના હેતુથી તે દડો પાદલિપ્ત ગુરુ પાસે મોકલ્યો. ત્યારે તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્ય તેને બરાબર મીણથી મેળવેલ જોઈને ઉષ્ણ જળમાં પલાળતાં તેના તંતુનો પ્રાંત ભાગ મેળવ્યો, પછી તેને છૂટો કરીને તે રાજા પાસે પાછો મોકલ્યો. એ વાત જાણીને રાજા ચમત્કાર પામ્યો. પોતાની પ્રજ્ઞાથી.તત્ત્વને જણાવનાર એવી કળાઓથી કોણ વશ ન થાય? પછી રાજાએ ગંગાતીરના વૃક્ષની એક લાકડી બંને બાજુ બરાબર પાલીસ કરાવી, તેનું મૂળ અને અગ્ર ભાગ જાણવાને માટે ગુરુને મોકલી, એટલે તેને જળમાં નાખતાં મૂળ વજનદાર હોવાથી પાણીમાં ડૂબી ગયું. એમ મૂલ અને અગ્ર ભાગ ઓળખીને તેમણે તે રાજાને પાછી મોકલાવી. વળી જયાં સાંધા જાણવામાં ન આવે તેવી એક ડબ્બી રાજાએ ગુરુને મોકલી. ત્યારે ગરમ પાણીમાં નાખતાં તે ઉઘાડીને તેમણે રાજાને આશ્ચર્ય પમાડ્યું.
પછી પાદલિપ્તાચાર્યે તંતુઓથી ગુંથેલ અને માંસની પેશી સમાન ગોળ તુંબડુ રાજસભામાં મોકલ્યું. ત્યાં કોઈ તેને છૂટું કરી ન શક્યું, તેથી મૂકી દેવામાં આવ્યું. ત્યારે અન્ય લોકો કહેવા લાગ્યા કે – “એમાંનું ગુંથણ તો તે ગુરુ વિના અન્ય કોઈ છૂટું કરી શકશે નહિ.” એટલે રાજાએ ગુરુને બોલાવતાં તેમણે આવીને તે તરત છૂટું કરી આપ્યું. આથી આશ્ચર્યચકિત થયેલ રાજા ચિંતવવા લાગ્યો કે – “આવા કહેતુથી આ બાલસૂરિ રમાડવા લાયક છે. પરંતુ હું ધારું છું કે કેસરીની જેમ એ બાળક કોઈથી પરાભવ પામે તેવો નથી. કારણ કે “તેજમાં વયનું કાંઈ કારણ નથી' એ પૂર્વનું વચન સત્ય ઠરે છે. કારણ કે સિંહના નાના બચ્ચાંને પણ યજ્ઞમાં : લાવવાની કોણ ઉમેદ કરે?
એકવાર રાજાને શિરોવેદના જાગી. એટલે તેણે પ્રધાન પુરુષો મોકલીને ગુરુને વિનંતિ કરી. કારણ કે છીંક કે ખાંસી નષ્ટ થતાં સૂર્યનું સ્મરણ થાય છે. પછી ગુરએ ત્રણ વાર પોતાના ઢીંચણ પર તર્જની આંગળી ફેરવી, જેથી રાજાની વેદના શાંત થઈ. તે પ્રભુને શું દુષ્કર હોય ? કારણ કે –
"जह जह पएसिणि जाणुयंमि पालित्तउं भमाडेइ ।
તદ તદ સે સિવિય પારસરૂ મુર૩રાયમ્સ” | ૨ || જેમ જેમ પાદલિપ્તાચાર્ય તર્જની અંગુલી ઢીંચણ ઉપર ફેરવે છે. તેમ તેમ તે મુરંડ રાજાનો માથાનો દુઃખાવો નાશ પામે છે. મંત્ર રૂપ આ ગાથા બોલતાં જેના શિરનો સ્પર્શ કરવામાં આવે તો અદ્યાપિ અતિ દુર્ધર તેની શિરોવેદના શાંત થાય છે.