________________
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર
117
ત્યારે પ્રતિમા કહેવા લાગી – હે ભગવન્ ! પ્રથમ પુત્ર મેં તમને અર્પણ કર્યો. તે ભલે આપની સેવામાં રહીને જીંદગી ગાળે. કારણ કે તે દૂર રહે તેથી મને શો લાભ ?”
ગુરુ બોલ્યા – “હે ભદ્ર ! તારો તે પુત્ર શ્રી સંઘ તથા પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં વરાહરૂપ અને બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન થશે.”
એમ ગુરનું વચન સાંભળતાં તેણે શકુનની ગાંઠ બાંધી લીધી અને સંતુષ્ટ થઈને ઘરે આવતાં તેણે તે વૃત્તાંત પોતાના પતિને નિવેદન કર્યો, પછી તે દિવસે નાગેન્દ્રના સ્વપ્નથી સૂચિત તેણીને ગર્ભ રહ્યો અને તે ગર્ભને ઉચિત વર્તન કરતાં તેના મનોરથોની સાથે તે વૃદ્ધિ પામવા લાગ્યો, અને દિવસો પૂર્ણ થતાં તેણે એક સુલક્ષણયુક્ત પુત્રને જન્મ આપ્યો કે જે રૂપમાં કામદેવ કરતાં અધિક અને તેજમાં સૂર્ય સમાન હતો. પછી વૈરોટ્યાની પૂજા કરીને તેણે પોતાનો પુત્ર દેવીના ચરણે ધર્યો અને પછી ગુરુના ચરણે મૂકીને પ્રતિમાએ તે પુત્ર ગુરુ મહારાજને અર્પણ કર્યો. ત્યારે ગુરુ બોલ્યા – “આ બાળક અમારો થઈને વૃદ્ધિ પામો' એમ કહી તેમણે તેને તે પાછો સોંપ્યો. એટલે અતિવાત્સલ્યથી તેમજ ગુરુના ગૌરવથી પ્રતિમા શેઠાણી તેને ઉછેરવા લાગી. ભારે હર્ષપૂર્વક ફુલ્લશ્રેષ્ઠીએ નાગેન્દ્ર એવું તેનું નામ રાખ્યું. તે બાળક ગર્ભકાળથી આઠ વરસનો થયો, ત્યારે ગુરુ મહારાજે આવીને તેને પોતાની પાસે લીધો.
હવે સંગમસિંહ સૂરિ નામે તેમના ગુરુ ભાઈ હતા, તેમને આચાર્ય મહારાજે ભવિષ્યને માટે શુભકારી એવો આદેશ આપ્યો. એટલે તેમણે શુભ લગ્ન અને મંગલ-મુહૂર્તે તે બાળકને દીક્ષા આપી. શિષ્યના પુણ્યપ્રભાવથી ગુરુનો હાથ તો ઉપાદાનરૂપ હોય છે. પછી તે ગચ્છના મંડનરૂપ એવા મંડન ગણિને, તે બાળ સાધુની. શુશ્રુષા તથા અધ્યાપનને માટે આદેશ કર્યો. એટલે પોતાની પ્રતિભા શક્તિના પ્રભાવથી તે બાળસાધુ, અન્ય અભ્યાસીઓની આગળ જે પાઠ કહેવામાં આવતો હોય, તેને પણ પોતાના હૃદયમાં ધારી લેતા, તો સ્વઅધ્યયનની તો વાત જ શી કરવી ? એમ એક વર્ષમાં વ્યાકરણ, સાહિત્ય અને ન્યાયશાસ્ત્રાદિકમાં તે અસાધારણ પંડિત થઈ ગયા. તેમજ ગુણોને લીધે ઉત્તમતા પામી પુરુષોમાં અદ્વિતીય અને બધાને આશ્ચર્ય પમાડતા એવા તે બાળમુનિ નવા નવા સમસ્ત લક્ષણોથી અધિક શોભવા લાગ્યા.
એક દિવસે ગુરુ મહારાજે તે બાળસાધુને કાંજી લાવવા માટે મોકલ્યા. એટલે વિધિપૂર્વક તે ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવ્યા અને અનાકુલપણે ઇર્યાવહી પૂર્વક આલોચના લેતાં તેઓ, પંડિતોના હૃદયને કંપાવનાર આ ગાથા ગુરુ સમક્ષ બોલ્યા -
"अंबं तंबच्छीए अपुफियं पुष्फदंतपंतीए ।
नवसालिकंजियं नववहूइ कुडएण मे दिन्नं" ॥ १ ॥ એટલે—તામ્રવર્ણી આંખવાળી, ઋતુમાં ન આવેલ અને પુષ્પ સમાન દાંતવાળી એવી નવવધૂએ ભારે પ્રમોદ પૂર્વક મને નવા ડાંગરની ખાટી કાંજી આપી.
એ પ્રમાણે સાંભળતાં ગુરુએ શૃંગારાગ્નિથી પ્રદિપ્ત એવા પ્રાકૃત શબ્દમાં તેને જણાવ્યું કે – ‘તું નિત્ત એટલે પ્રલિપ્ત અર્થાતુ શુંગારરસથી લેપાઈ ગયેલ છે.'
ત્યારે તેણે ગુરુને વિનંતિ કરી કે – “હે ભગવનું ! આપ આ શિષ્ય પર અનુગ્રહ કરો.'