________________
116
શ્રી પ્રભાવક ચરિત્ર
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્રહી
ભક્તિથી નમસ્કાર કરતા પ્રાણીઓને વાંછિત લક્ષ્મી આપવામાં વશીકરણચૂર્ણ સમાન શ્રી પાદલિપ્ત ગુરુની ચરણ–રજ જયવંત વર્તે છે. હું મંદમતિ, તેમના અલ્પ ગુણનું વર્ણન કરવાને પણ સમર્થ નથી, તથાપિ ‘તેમના ગુણની સ્તુતિ ઉભયલોકમાં હિતકારિણી છે.' એમ ધારીને પૂજય ગુરના પ્રસાદથી હું કંઈક વર્ણન કરીશ. હે ભવ્યાત્માઓ ! દરેક ભાગમાં રહેલ આશ્ચર્ય યુક્ત તેમનું ચરિત્ર તમે કૌતુકથી સાવધાન થઈને સાંભળો – - સરયૂ અને ગંગાના જળનું સેવન કરનારા મનુષ્યો યુક્ત અને વિસ્તૃત સુખપૂર્ણ એવી કોશલા નામે નગરી છે. ત્યાં હસ્તી અને અશ્વોની સેનાથી શત્રુઓને પરાસ્ત કરનાર એવો વિજ્યબ્રહ્મ નામે વિખ્યાત રાજા હતો. તે નગરીમાં શ્રેષ્ઠ ગુણોના સ્થાનરૂપ તથા મહાધનિક એવો ફુલ્લ નામે શ્રેષ્ઠી હતો કે જેનો યશઃ સમૂહ વિકસિત મલ્લિકાલતાના પુષ્પ સમાન વિકાસ પામતો હતો. રૂપમાં ઉપમા રહિત એવી પ્રતિમા નામે તેની વલ્લભા હતી કે જેની વાણીથી પરાસ્ત થયેલ સુધા રસાતલમાં ચાલી ગઈ. તેણે અપત્ય પામવાની ઇચ્છાથી હસ્તરેખાઓ જોવરાવી, લગ્ન રાશિના મહામંત્રો કરાવ્યા, વંધ્યાને સંતાન થાય તેવાં અનેક ઔષધોનો ઉપયોગ કર્યો અને લાખો માનતાઓ કરીને ક્ષેત્રદેવતા અને પાદર દેવતાને આરાધ્યા, પણ એ બધી તેની ક્રિયાઓ નિષ્ફળ ગઈ. વળી તેણે કોઈના કહેવા પ્રમાણે તીર્થસ્નાન પ્રયોગો પણ કર્યા; છતાં તેનો મનોરથ સિદ્ધ ન થયો. અહો ! લોકોમાં સ્ત્રીઓને અપત્યનો મોહ છે, તે તેમના માનસિક સુખનો વિનાશ કરે છે.
હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં વૈરાટ્યા નામે શાસનદેવતા છે. અનેક ઉપાયોમાં નિરાશ થતાં પ્રતિમા શેઠાણીએ તે દેવીનો આશ્રય લીધો. એટલે પૂર, કસ્તૂરિ વિગેરે સામગ્રીથી તેની પૂજા કરી, તેણે ઉપવાસો સાથે એકાગ્ર મન રાખીને અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કર્યો. ત્યારે આઠમે દિવસે તે દેવી સંતુષ્ટ થતાં પ્રત્યક્ષ થઈને પ્રતિમાને કહેવા લાગી કે – “હે ભદ્ર ! વર માગી લે.”
એટલે તેણે કુળદીપક પુત્રની યાચના કરી. આથી તે દેવીએ તેને આદેશ કર્યો કે - “હે વત્સ ! સાંભળ – પૂર્વે મિવિનમિ નામના વિદ્યાધરોના વંશમાં ધૃતસાગરના પારગામી કાલકસૂરિ થયા. એ વિદ્યાધરગચ્છમાં ખેલાદિક લબ્ધિ સંપન્ન અને ત્રિભુવનને પૂજનીય એવા આર્યનાગહસ્તિસૂરિ વિદ્યમાન છે, જો તારે પુત્રની ઇચ્છા હોય તો તેમના પગ ધોઈને તે જલનું પાન કર.'
એમ સાંભળતાં પ્રભાતે ચૈત્ય થકી નીકળીને પ્રતિમા તેમના ઉપાશ્રયે ગઈ. ત્યાં પ્રવેશ કરતાં તેણે આચાર્યના ચરણ-કમળના ક્ષાલનનું જળપાત્ર હાથમાં ધારણ કરીને એક બાજુ ઉભા રહેલા એક સાધુને જોયા. એટલે પ્રાર્થનાપૂર્વક તેમની પાસેથી તે જળ લઈને તેણે હર્ષપૂર્વક પાન કરી લીધું. પછી ત્યાં આગળ જઈને તેણે સૂરિ મહારાજને વંદન કર્યું. એટલે ધર્મલાભરૂપ આશિષ આપતાં તે નિમિત્ત જોઈને ગુરુ હસ્યા અને બોલ્યા કે – તેં અમારાથી દશ હાથ દૂર જળપાન કર્યું, તેથી તારો પુત્ર દશ યોજનની આંતરે વૃદ્ધિ પામશે, પ્રભાવશાળી તે પુત્ર યમુના નદીના તીરે મથુરા નગરીમાં રહેશે, તેમજ બીજા મહા તેજસ્વી તારે નવ પુત્રો થશે.”