________________
114
શ્રી પ્રભાવક ચરિત્ર
સંભળાવ્યો, ત્યાં શ્રી સંઘે પરમ હર્ષપૂર્વક ગુરુનું વચન માન્ય કર્યું. પછી શ્રી કાલકાચાર્ય હળવે હળવે તે નગરમાં આવ્યા, ત્યારે સાતવાહન રાજાએ તેમનો પ્રવેશ–મહોત્સવ કર્યો.
પછી શ્રી પર્યુષણ પર્વ નજીક આવતાં રાજાએ આચાર્યને વિનંતિ કરી કે – “હે ભગવન્! ભાદરવા માસની શુકલ પંચમીના દિવસે આ દેશમાં ઇન્દ્રધ્વજનો મહોત્સવ થવાનો છે. માટે શ્રી પર્વ છઠ્ઠના દિવસે કરો, કારણ કે લૌકિક પર્વ આવતાં લોકોનું ચિત્ત ધર્મકાર્યમાં ઉત્સાહયુક્ત થતું નથી.'
ત્યારે આચાર્ય બોલ્યા – હે રાજેન્દ્ર ! પૂર્વે જિનેશ્વરીએ અને ગણધરોએ પંચમીનું અતિક્રમણ કર્યું નથી. વલી “એ પર્વ તે જ દિવસે થાય;' એમ અમારા ગુરુએ કહેલ છે. મેરુશિખર કદાચ કંપાયમાન થાય અથવા સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, તથાપિ પંચમીની રાત્રિને ઓળંગીને એ પર્વ ન થાય.”
એટલે રાજાએ કહ્યું – “હે પ્રભો ! તો પર્યુષણ પર્વ ચતુર્થીના દિવસે કરો.”
ગુરુ બોલ્યા- “એમ થઈ શકે, કારણ કે એ વચન પૂર્વાચાર્યોએ પણ માન્ય કરેલ છે. વળી એવું શાસ્ત્રવચન પણ છે કે – પંચમી પહેલાં પણ પર્યુષણ પર્વ કરી શકાય.’
એમ સાંભળતાં રાજાએ હર્ષપૂર્વક જણાવ્યું કે – “એ બહુ જ ઇષ્ટ છે. કારણ કે અમાવાસ્યાના દિવસે મારી રાણીઓ પૌષધમાં રહીને પર્વોપવાસ કરશે અને એકમના દિવસે પારણું કરશે. વળી અઠ્ઠમતપ કરનારા નિગ્રંથ મહાત્માઓ તે દિવસે પ્રાસુક આહારથી શ્રેષ્ઠ ઉત્તર પારણું કરી શકશે.'
ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે – “હે રાજન ! પંચમહાદાન આપતાં જીવ દુષ્કર્મસાગરથી વિસ્તાર પામે છે. તેમાં માર્ગે શાંત થયેલ, ગ્લાન, લોચ કરનાર; બહુશ્રુતને અને ઉત્તર પારણે આપવામાં આવેલ દાન મહાફળ આપનાર થાય છે.'
ત્યારથી કષાયને શાંત કરવામાં કારણભૂત એ મહાન સાંવત્સરિક પર્વ પંચમીથી ચતુર્થીમાં આવેલ છે. એ પ્રમાણે શાસનની પ્રભાવના કરતાં શ્રી કાલભાચાર્યે કેટલાક દિવસ પરમ સંતોષથી વ્યતીત કર્યા.
એકવાર તેવા સમર્થ સૂરિમહારાજના પણ શિષ્યો કર્મના દોષથી અવિનયી અને દુર્ગતિના એક દોહદરૂપ થયા. ત્યારે આચાર્યે શય્યાતરને સત્ય વચન કહેતાં જણાવ્યું કે – “કર્મબંધનો નિષેધ કરવા અને અન્ય સ્થાને જઈશું, અને તારે એ શિષ્યોને પ્રિય અને કર્કશ વચનથી સમજાવીને કહી દેવું કે – ગુરુ વિશાલા. નગરીમાં પ્રશિષ્ય પાસે ગયા.' એમ કહીને ગુરુ ત્યાં ચાલ્યા ગયા.
હવે પ્રભાત થતાં ગુરુને ન જોવાથી શિષ્યો નીચા મુખ કરીને પરસ્પર કહેવા લાગ્યા કે – “આ શય્યાતરને આપણા ગુરુની અવશ્ય ખબર હશે. એ આપણો દુર્વિનય હવે શાખારૂપે વિસ્તાર પામ્યો છે. પછી તેમણે શાતરને પૂછયું, એટલે તેણે યથોચિત કહીને ગુરુની સ્થિતિ તેમને નિવેદન કરી. જેથી તે બધા વેગથી ઉજ્જયિની તરફ ચાલી નીકળ્યા. એટલે માર્ગે જતાં લોકોએ તેમને પૂછ્યું, ત્યારે તે મૃષાવચન બોલ્યા કે –
અહો ! ગુરુ આપણી આગળ હતા, તે પાછળ રહી ગયા અને આપણે પાછળ હતા તે આગળ થઈ ગયાં.” એ પ્રમાણે ગુરૂના નામની શોભાના કારણે માર્ગમાં જતાં તે શિષ્યોનો લોકોએ આદર સત્કાર કર્યો. કારણ કે સ્વામી વિના સ્ત્રી સેવક અને શિષ્યોની અવજ્ઞા થાય છે. ૧. આ પ્રસંગ માટે બૃહત્કલ્પની ટીકા જુઓ.