________________
શ્રી કાલકસૂરિ ચરિત્ર
109
શ્રી કાલકસૂરિ ચરિત્ર
કોઈ મોટા ગુણને લીધે શ્રી સીમંધર સ્વામિના મુખથી વિદિત–વિખ્યાત થયેલા એવા શ્રી કાલકસૂરિ તમારું રક્ષણ કરો. પૂર્વના બહુશ્રુત આચાર્યોએ પર્યુષણ પર્વ સંબંધી હકીકત યુક્ત જેમનું ચરિત્ર વર્ણવેલ છે, તેને અનુસરીને હું પણ આદરપૂર્વક વર્ણવું છું. શું ગાડી શકટ (ગાડાં)ની પાછળ જતી નથી ?
પોતાની શોભાથી સમસ્ત નગરને જીતનાર એવું શ્રી ધારાવાસ નામે નગર છે કે જ્યાં સાધુજનોના વચનામૃતથી દુર્જનોના મુખનું ઝેર નિરસ્ત થતું હતું. વળી જેની કીર્તિરૂપી ધ્વજા-પતાકા ગુણરૂપી દોરીના આશ્રયથી આકાશરૂપી કમાનનું આલંબન લઈને મોટા ભારવાળી હોવા છતાં સમગ્ર આકાશમાં ફેલાઈ ગઈ હતી. ત્યાં પરાક્રમથી સુશોભિત એવો વૈરિસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો કે જેના પ્રતાપે ત્રિપુરમણીઓની 'પત્રવલ્લીને શોષવી દીધી હતી. તેને નાગેન્દ્રકાંતા સમાન સુરસુંદરી નામે કાંતા હતી કે જે કલ્યાણની ભૂમિરૂપ અને મહાભોગથી વિરાજિત હતી. જેમ ઇન્દ્રને જયંત અને સમુદ્રને શશાંક, તેમ એ રાજદંપતીને કાલક નામે પુત્ર હતો કે જેણે પ્રચંડ ધનુષ્યથી શત્રુઓને ખંડિત કર્યા હતા. બ્રહ્માની સરસ્વતી નામે પુત્રી વિશ્વપાવની કહેવાય છે કે જેના આગમનથી સમુદ્ર પણ ગુરુ અને સર્વના આશ્રયરૂપ થયો તેમ કાલક રાજકુમારના આગમનથી સમુદ્ર (મુદ્રાસહિત) છતાં ગુરુ સર્વના આશ્રયરૂપ થયા.
એક વખતે અશ્વકળાની ક્રીડા જાણવાને કાલકકુમાર નગરની બહાર ગયો. તે પોતે અશ્વપરિશ્રમમાં થાકે તેવો ન હતો. ત્યાં ધૌરિતક, પ્લુત, વલ્ગિત, ઉત્તેજીત, લસદ્ અને ઉત્તેરિત–વિગેરે ગતિથી અશ્વોને ચલાવતાં તેણે શ્રમિત અને નિશ્ચળ કરી દીધા. એવામાં રૂપમાં ગંધર્વ સમાન એવા કુમા૨ે બગીચામાંથી આવતો અત્યંત કોમળ અને ઉદાર ધ્વનિ સાંભળ્યો. એટલે રાજપુત્રે મંત્રીને કહ્યું કે - ‘મેઘની ગર્જના સમાન ગંભીર આ ધ્વનિ કેવો ? અથવા એ કોનો છે ?’
ત્યારે મંત્રીએ બાતમી મેળવીને જણાવ્યું કે ‘હે નાથ ! પ્રશાંત અને પવિત્ર મૂર્તિને ધારણ કરતા આ. ગુણાકરસૂરિ ધર્મોપદેશ આપી રહ્યા છે. તો આપણે એ બગીચામાં વિસામો પણ લઈએ અને એમના વચનામૃતનું પાન પણ કરીએ. એટલે — ‘ભલે, એમ થાઓ’ એ પ્રમાણે બોલતાં રાજકુમારે મંત્રીનું વચન માન્ય કર્યું અને સર્વ પરિવારને આજ્ઞા કરીને પોતે ઉદ્યાનમાં આવ્યો, ત્યાં ગુરુને વંદન કરીને તે યોગ્ય સ્થાને બેઠો. એટલે જ્ઞાનના ઉપયોગથી તેની યોગ્યતા જાણીને ગુરુ મહારાજે વિશેષથી ધર્મવ્યાખ્યાન શરૂ કર્યું -
“ધર્મ, દેવ અને ગુરુ એ ત્રણ તત્ત્વો બરાબર સમજીને તેનો આશ્રય કરવો, તેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયના વિચારયુક્ત તથા જીવદયા જેમાં પ્રધાન છે, તે ધર્મ. સર્વજ્ઞ જિનેશ્વર તે દેવ. તથા સર્વ પ્રકા૨ના સંગરહિત; રાગ, દ્વેષને ભેદનાર તથા બ્રહ્મચારી તે ગુરુ. ધર્મના બે પ્રકારમાં પ્રથમ યતિધર્મ તે પંચ મહાવ્રત યુક્ત, સાધુઓના સંયમરૂપ, દશ પ્રકારના સંસ્કારથી વિભૂષિત અને સર્વ કર્મને ભેદનાર છે, એકચિત્તે એક દિવસ પણ એ ધર્મનું આરાધન કરવાથી મનુષ્ય મોક્ષ અથવા વૈમાનિક દેવપણાને અવશ્ય પામે છે. વળી બીજો
૧ મુખ પર કસ્તુરિ વિગેરેથી કરેલ રચના.