________________
૧૩૨
આનંદઘન પદ
૧૯
ચૈતન્ય રાજા (પરમાત્માસ્વરૂપ) મારામાં જ રહેલ હોવા છતાં બાવરી બની એને હું ઠામ ઠામ, ઠેર ઠેર ચૌદ રાજલોક બ્રહ્માંડ આખામાં ગાંડીઘેલી દિવાની બનીને ખોળતી (શોધતી) ફરતી હતી. એ તો મારામાં જ જાગતો - ધબકતો શુદ્ધસ્વરૂપે સિદ્ધસમ પ્રચ્છન્નપણે રહેલો મારો જ પ્રિયતમ હતો, જેને હું બાવરી બેબાકળી બની બહારમાં જ્યાં ત્યાં બધે શોધતી ફરતી હતી. કારણ કે હું મારામાં રહેલ મારાપણાને (સ્વરૂપને) જાણતી નહોતી એટલે અંધારામાં અથડાતી ઊંઘમાં જ ચાલતી હતી. જ્યારે મારો પ્રિયતમ ચેતન રાજા તો રાજ કરતો મને આવકારવા
મને આલિંગવા મારામાં જ સજ્જ તત્પર થઈને બેઠો હતો. હું મારા એ ચેતનરાજાને મારામાં વાંકી વળી અંતરમુખી થઈ અંતરમાં જોતીજ નહોતી અને બહારમાં શોધતી ફરતી ફાંફા મારી રહી હતી. જાણે કેડમાં છોકરું અને ગામ આખામાં શોધતી હતી. શોધવા છતાં મળતું નહોતું તેથી હું ઝૂરતી - તડપતી - તરફડતી દુ:ખી દુ:ખી થઈ ગઈ હતી. આ મારી વિપરીતતા - મૂર્ખતા હતી. વાસ્તવિક તો મારે અંતરમાં જાગૃત રહેવું જોઈતું હતું અને બહારમાં ઊંઘવું જોઈતું એટલે કે ઉદાસીન રહેવું જોઈતું હતું. એક જ્ઞાનીએ કહ્યું પણ હતું કે “ઉંઘતા જીવો તો જાગતા મારો !” પણ મને ઘેલી મુરખને ત્યારે એ સમજાયું નહોતું. મારા અનાદિના સંસારના અધ્યાસથી વિપરીત વાત કરી ‘પિયા જાગે તું સોવે’ ત્યારે મને મારી વિપરીતતાનું ભાન થયું અને સ્વરૂપનું સાચું દર્શન થઈ શક્યું.
અંતરતમ સ્થિત અંતર્યામી, આતમરામી પરમાત્મા ધ્રુવતત્ત્વ તો અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખ સહિત ચતુરાઈપૂર્વક મારા જ પાલવમાં મારી નિકટ હસતું, રમતું, કિલ્લોલતું “મને શોધી કાઢ ! મને શોધી કાઢ !” કરતું છૂપાછૂપીની રમત રમતું જાણે મારામાં જ ધરબાયેલું છૂપાયેલું પડ્યું હતું પણ હું પટુતા વિહોણી નિપટ આંધળી, ભીંતભૂલેલી અજાણી (અયાની - અજ્ઞાની) કોરીધાકોર નકરી (નિપટ - તદ્દન) અજ્ઞાની એનું અને મારું આંત કેમ કરી મિટાવું ? કારણ કે હું તો ઘૂમટો તાણીને મને જ મારામાં છૂપાવીને બેઠી હતી અને ફિકરથી અધમૂઈ થઈ ગઈ હતી કે મને મારો વહાલો મળતો નથી. વાલમ વિનાની, વાલમના વહાલ વિનાની એટલે કે વીતરાગતા વિનાની રાગદ્વેષમાં ચૌદ રાજલોકમાં ઠામ ઠામ ઠેબા ખાતી ભટકતી ફેરફૂદડી ફરતી હવે મારી શું દશા થશે ? પ્રાત:કાળે શ્રી સીમંધરસ્વામી આગળ રડીએ છીએ ને !
પ્રબળ પુણ્યના ઉદ્દે જ સત્પુરુષનો સુયોગ થાય.