________________
આનંદઘન પદ - ૧૯
૧૩૧
અક્ષતના વધામણા ઝીલતી, સિદ્ધના લાલરંગના પ્રતિક સમ કુમકુમવર્ણા પગલે કુમકુમ પગલા પાડતી ચેતના રાણી - સમકિતને મંગળ ગૃહપ્રવેશ કરાવે છે. માતા સમતા અને પિતા પરમાત્મા સમ્યક્ત્વરૂપી ચેતનારાણીને હૃદયમંદિરમાં સ્થાપન કરે છે.
ઘૂમટો તાણેલી ચેતનારાણી સાસુ સસરાનો ચરણ સ્પર્શ - પાયલાગણ કરીને આશીર્વાદ પ્રાર્થે છે કે મારા હું પણાને - મારા અસ્તિત્વને સ્વામીનાથ. ચેતનરાજાના અસ્તિત્વમાં ઓગાળીને અભેદ થઈ, એકરસ બની જાઉં એવાં મોહ-માયા-મમતા-અહંકારના મામને ગાળી નાખનારા મંગળ આશીર્વાદ આપો કે હવે મને મારા પિયુના દર્શન થાય અને મારા પ્રિયતમ સાથે મારું પ્રિય મિલન થાય.
આજે તો હવે કેટલાંક રાજસ્થાનીભાઈઓના પરિવાર સિવાય ઘૂમટો. તાણવાનો રીવાજ જૂનવાણીમાં ખપી જઈ ભૂંસાઈ ગયો છે. આ તો અવસર્પિણિનો. અને તેમાંય હુંડા અવસર્પિણિનો - પાંચમા આરાનો પડતો ભૂંડો કાળ એવો કળીએ કળીએ કાપનારો કકળાટનો કળિયુગ છે. બાકી તો જેણે મોક્ષે જવું હોય તેણે તો પહેલાં સંસારને સ્વર્ગ બનાવવું જોઈએ. એ માટે વહુએ વિનયી વિવેકી બની મર્યાદામાં - સંયમમાં રહેવું જોઈએ અને સાસુએ સહુને સાચવી લેનારા, સમાવી લેનારા સમતાના સાગર બનવું જોઈએ. જ્યારે સસરાએ વડવાઈઓને ફેલાવીને રહેલાં ઘેઘુર વિશાલ વડલા જેવાં બની બાહુ ફેલાવી પોતાના બાહુથી હૃદયના હેત હુંફ અને લાગણીથી શીતળ છાયા આપનારા - રક્ષા કરનારા કુટુંબ વત્સલ વડલાસમ વડિલ બની રહેવું જોઈએ. તો જ શાતામાં રહી, શાતાદાયી થઈને શાતા અશાતાથી પર એવાં સમસ્વરૂપ શાંતતા, ઉપશાંતતા, પ્રશાંતતાને પ્રાપ્ત કરી શકાશે.
હવે નવવધુ હૈયું ખોલીને હૈયાની - પોતાની વિપરીતતા - મૂર્ખતાની વ્યથાની કથા કહે છે.
અનાદિથી આજ લગી, અત્યાર સુધી હું ચેતના નારી, કુંવારી, એકલવાયી, અલ્લડ, અક્કડ, મુરખ (બાવરી) હતી કે મારો મનનો માનેલો મનમોરલો - માણીગર - મનમોહન એવો પરમપારિણામીક ભાવરૂપ ત્રિકાલ શુદ્ધ ઘુવતત્ત્વ
સપુરુષનો સુયોગ થવો એ સદ્ભાગ્યના એંધાણ છે.