________________
પ્રેમ-ભૂખ્યાંની પાટી ખરી વાત છે; દાવ તરફ ધ્યાન રાખો, મિસ પ્રાઈસ. થોડી વારમાં જ એ લોકોને બતાવી દઈએ!” નિકોલસે રમતના તાનમાં ને તાનમાં એમ બોલી વાળ્યું.
પેલો યૉર્કશાયરનો બ્રાઉડી તો પોતાની સજજડ વાળેલી મુક્કી પોતાના નાક ઉપર જોરથી દબાવવા લાગ્યો, જેથી તે અણધારી નિકોલસના માથા તરફ વળી ન જાય! કૅનીએ પોતાનું માથું ગુસ્સામાં એટલા જોરથી ઊંચું ઉછાળ્યું કે, તેનાં લટિયાંની ઝાપટથી મીણ-- બત્તી લગભગ બુઝાઈ ગઈ!
આવું ખુશનસીબ તો મને ક્યારેય સાંપડયું નહોતું,” મટિલ્ડા દ્વિઅર્થી મર્માળા શબ્દો બોલવા લાગી; “જોકે, મિ. નિબી તમારે લીધે જ એ બધું છે; હું તો મારું ચાલે ત્યાં સુધી હંમેશા તમારી જ ભિલ્લુ બનવાની.”
પેલો બ્રાઉડી પોતાની મુક્કી હવે વધુ જોરથી પોતાના નાક ઉપર દબાવવા લાગ્યો અને મટિલ્ડા મનમાં હસતી હતી તે બંનેને વધુ ને વધુ ચીડવતી ગઈ.
મીઠડી, તું આમ ચૂપ કેમ બેસી રહે છે? મારા ભિલ્લુ સાથે વાત તો કર.”
તમે બે વાતો કર્યા કરો એટલે બસ,” કૅનીએ છાંછિયું કર્યું. “અરે તમે જોન, કેમ ચૂપ બેસી રહ્યા છો? કંઈક તો મોં ખોલતા રહો! હોઠે ટાંકા મારી લીધા છે કે શું?” મટિલ્ડાએ પોતાના ‘ધણી’ને સિસકાર્યો.
શું? હું કંઈક બોલું, એમ? તો તે સાંભળ, બુઠ્ઠી ! હું એકદમ ઘેર જવા માગું છું; અને હું પણ તરત ઊભી થઈ જા, અને તારા પેલા ભિલ્લુને કહી દે કે, આજની રાત મારી નજરે ન પડે, નહિ તો તેનું માથું વધારે પડતું ચપ્પટ થઈ જવાનું જોખમ છે.”
“બાપરે, આ બધું શું છે વળી?” મટિલ્ડાએ આશ્ચર્યચકિત થવાનો ઢોંગ કરીને કહ્યું.