________________
૩૮
નિકોલસ નિકલ્દી “આજે રાતે તે આપણી સાથે ભોજન કરશે; ને કાલ સવારથી છોકરાઓ ભેગો જશે. આજની રાત પૂરતી તેને આડા પડવાની કિંઈક જગા પણ કાઢી આપવી પડશે.”
મિ૦ સ્કવીયર્સે પછી પોતાના ખીસામાંથી માબાપો તરફથી જુદા જુદા છોકરાઓ માટે હાથોહાથ આપવામાં આવેલા કાગળો તથા નવા છોકરાઓના કરારોના ખતપત્ર વગેરે બધું ટેબલ ઉપર ઠાલવ્યું.
ભોજનની વસ્તુઓ લઈને નોકરડી સાથે આવેલો પેલો સ્માઇક એ બધા કાગળો સામે બહુ આતુરતાથી જોઈ રહ્યો. તેની ઉંમર અઢાર ઓગણીસ વર્ષની હશે, પણ તેનાં કપડાં હજુ તેના બચપણનાં જ કાયમ રહ્યાં હોય તેવાં ટૂંકાં તથા જીર્ણશીર્ણ હતાં. તેણે હવે ડરતાં ડરતાં, બેચાર ધોલધપાટા મળવાના જોખમે પણ પૂછી નાંખ્યું –
સાહેબ, કોઈ મારી ખબર પૂછવા – મારે માટે કાગળ આપવા –”
લે, કર વાત! અલ્યા, તારે માટે કોણ વળી આવવાનું હતું? આટલાં વર્ષથી તને અહીં મૂકવામાં આવ્યો છે, પણ પહેલા છ મહિને નાના પૈસા મળ્યા, પછી કોઈ પૈસા આપવા કે ખબર કાઢવા જ કદી આવ્યું છે વળી? એ તો હું ભલો માણસ છું કે, તને થોડુંઘણું ફેરફાંટાનું કામકાજ સેંપી, પોષ્યા કરું છું. બાકી, આવડા મોટા પહાડને ખવરાવતાં તો ગોદીના કોઠાર પણ ખાલી થઈ જાય !”
પેલો બિચારો છોકરો, ફીકું હસી, નિરાશ મોંએ ત્યાંથી પાછો ફર્યો. નિકોલસ, કોણ જાણે શાથી, એની એ મૂક વેદના જોઈ દુ:ખી થઈ ગયો.
રાત્રે મળી તેવી વાળુ કરી, એક ઓરડામાં ગમે તેવી પથારીમાં સૂવા માટે કોટ કાઢવા જતાં, નિકોલસના ખીસામાંથી અચાનક ન્યૂમેન નૉઝે આપેલો પેલો કાગળ બહાર નીકળી પડ્યો. નિકોલસે તેને તરત ઉપાડી લઈ, વાંચવા માંડયો–