________________
રાજેનો અંત ચિયરીબલ-પેઢીમાંથી નીકળી, ચોરની પેઠે લપાતો લપાતો રાલ્ફ પોતાના ઘર તરફ ચાલ્યો.
રાત અંધારી હતી અને ઠંડો પવન વાતો હતો. ઘેર પહોંચ્યો ત્યારે તે લગભગ ટાઢથી થરથર ધ્રુજવા લાગ્યો હતો.
તેનું પોતાનું સંતાન! સ્માઈક તેનું પોતાનું સંતાન હતો!– એ વાતની સચ્ચાઈ વિષે તેને જરાય શંકા ન હતી. તેનો એકમાત્ર પુત્ર મરી ગયો, અને તે પણ નિકોલસના હાથની ભાવભરી સારવાર પામીને! પોતે તો પોતાના જ પુત્રને દુ:ખી જ કરવાનો પ્રયત્ન આખર સુધી કર્યા કર્યો હતો! અને તે તેના ઉપર ભાવ રાખતા નિકોલસને દુ:ખી કરવા માટે!
તેને તેના બધા સાગરીતોએ હવે તજી દીધો હતો. ગમે તેટલા પૈસા આપતાંય તે હવે તેઓને ખરીદી શકે તેમ નહોતું. દુશ્મનો સામેની તેની બધી યોજનાઓ તૂટી પડી હતી; ઊલટી તે યોજનાઓથી તેણે જ પોતાના એકના એક પુત્રને હણ્યો હતો!
એ છોકરો જો જીવતો છે એમ તેણે જાણ્યું હોત, તથા બૂ કરની દગાબાજીથી તેની પાસેથી તે દૂર થયો ન હોત, તોપણ કદાચ તે કાળજી વગરનો, લાગણી વગરનો કઠોર પિતા જ રહ્યો હોત, એ વાતની તો તેને ખાતરી હતી. પણ એમેય બન્યું હોત, કે પોતાના પુત્રના પ્રેમથી તેનો સ્વભાવ બદલાયો પણ હોત અને બંને જણ સુખે રહી શક્યા હોત. કદાચ, પોતાનો પુત્ર ગુજરી ગયો છે અને પત્ની નાસી ગઈ છે, એ બે બીનાઓને કારણે જ તે આવો કઠોર તથા લાગણીહીન માણસ બની રહ્યો હતો.
૩૫૫