________________
૩૧૬
નિકોલસ નિકલ્ટી બારણા બહારથી દોરી વારંવાર ખેંચવા છતાં પેગ ડોસીએ આવીને અંદરથી બારણું ન ઉઘાડયું, ત્યારે બંને જણ ચિંતામાં પડી ગયા.
તેઓ પછી પડોશીના ઘરમાં જઈ, એક નિસરણી માગી લાવ્યા અને પાછલા વાડા તરફની નીચી ભીંત ઉપર થઈને અંદર પેઠા. પણ ઘરમાં ક્યાંય પેગ ડોસીનો પત્તો ન હતો!
રાલ્ફ સહેજે કલ્પના કરી કે, પેગ ડોસી લગ્નના મહાભોજનની વસ્તુઓ ખરીદવા કદાચ બહાર ગઈ હશે.
પણ એટલામાં તો ગ્રાઈડ પોતાની તિજોરી ઉઘાડી જતાં ચીસ પાડીને આક્રંદ કરી ઊઠ્યો, “હું લૂંટાઈ ગયો! હું માર્યો ગયો!”
શું થયું? શું થયું? પૈસા ચોરાયા?” “અરે, પૈસા ગયા હોત તો વાંધો નથી; પણ એ ડાકણ મારો અગત્યનો દસ્તાવેજ ઉપાડી ગઈ! હું હવે પાયમાલ થઈ ગયો!” રાલ્ફ નવાઈ પામી જોઈ રહ્યો.
“ગઈ કાલે રાતે હું જો કાગળ કાઢીને વાંચતો હતો. પછી મેં તેને પેટીમાં બંધ કરી, એ પેટી તિજોરીમાં પાછી મૂકી હતી. પેલી ડાકણ તે વખતે આસપાસ ફરતી હતી, એ મને બરાબર યાદ આવે છે. આજે તે એ પેટી જ ઉઠાવીને ચાલતી થઈ છે”
ક્યો કાગળ?” ડોસાએ રાલ્ફના પ્રશ્નનો જવાબ આપવાને બદલે પોતાનું જ આક્રંદ આગળ ચલાવ્યું –
“એ કાગળનો કશો ઉપયોગ એ ડાકણને તો છે નહિ; તેને તો વાંચતાંય નથી આવડતું. પણ કોઈ જો એને એ કાગળ વાંચી આપે, અને એ કાગળ તેની પાસે લઈ જાય, તો તેને તો તે ઉપરથી મોટી મિલકતનો કબજો મળે.”
રાલ્ફને હવે એ કયા કાગળની વાત કરે છે, તે સમજાઈ ગયું. તે બોલ્યો, “ચાલો જલદી પોલીસને ખબર આપીએ; એ ડોસી હજુ દૂર નહિ ગઈ હોય.”