________________
૨૬૮
નિકોલસ નિકલ્ટી પેલી યુવતીનો બાપ મોટી ખુરશીમાં નરમ ઓશિકા વચ્ચે ગોઠવાઈને બેઠો હતો. તેની ઉંમર ભાગ્યે પચાસની હશે. પણ તેના સુંદર ચહેરા ઉપર સ્વછંદ અને બેજવાબદારીની એવી ધૃણાપાત્ર રેખાઓ અંકિત થયેલી હતી કે, એ ચહેરો ફરી જોવાનું મન ન
થાય.
| નિકોલસને અંદર આવેલો જોઈ તેણે તરત જ પોતાની પુત્રીને બૂમ મારીને પૂછયું, “મેડલીન, એ કોણ છે? કોઈને અહીં શું કામ છે? અને ગમે તેવો અજાણ્યો માણસ આપણને મળી શકે, એવું કોણે કહ્યું? આ બધું શું ચાલે છે?”
મને લાગે છે કે, તેઓ...”પેલી યુવતીએ વાક્યની શરૂઆત કરી. પણ નિકોલસે જ તે પૂરું કરી આપ્યું કે, “હું ભરત-ગૂંથણવાળા કપડાના બેએક ટુકડાનો ઑર્ડર આપવા આવ્યો છું. તે ભારતકામ સારું હોવું જોઈએ; તેમાં સમય અને ખર્ચનો વિચાર જ કરવાનો નથી. ઉપરાંત બેએક ચિત્રો મેં ખરીદ્યાં છે, તેના પૈસા પણ મારે ચૂકવવાના છે.” એમ કહી નિકોલસે ટેબલ પાસે જઈ એક બંધ કવરમાં બીડેલી બેંક-નોટ મૂકી દીધી.
“પૈસા બરાબર છે કે નહિ, એ જોઈ લે જોઉં, બેટા.” “બરાબર જ હશે, પપ્પા.”
“ “બરાબર હશે' એ શું વળી? લાવ જોઉં મારી પાસે, હું બરાબર ખાતરી કરી લઉં,” એમ કહી, તરત પેલાએ નસોના જાળા જેવો પોતાનો સુકલકડી હાથ લાંબો કર્યો.
પેલી નોટ તેના હાથમાં પહોંચતાંની સાથે જ તેણે નોકરડીને બોલાવવા ફરમાવ્યું. “તેને કહે કે આ નોટ વટાવી લાવે, અને મેં ગયે અઠવાડિયે મંગાવી હતી તે દારૂની શીશી લઈ આવે, અને છાપું. લઈ આવે. મારે બીજું પણ કશુંક ઘણા વખતથી જોઈતું હતું, પણ પાછું યાદ આવશે ત્યારે તેને ફરીથી મોકલાશે.”