________________
૨૪૬
નિકોલસ વિકલ્પી
મિત્ર ફ્રેન્ક ચિયરીબલ, તાજેતરના તોફાનના પ્રસંગને કારણે, ગમે તેટલો આકળા સ્વભાવનો દેખીતો લાગે, પણ ખરી રીતે તે પણ તેના મામાઓ જેવો જ ભલો અને માયાળુ જુવાન હતો. એટલે જોન બ્રાઉડી સાથે અને તેની પત્ની સાથે ભળી જતાં તેને જરાય વાર ન લાગી. નિકોલસને પણ ખાતરી થઈ ગઈ કે, તેના જીવનમાં એક સારી અને કીમતી ઓળખાણ આજે તેને પ્રાપ્ત થઈ છે.
પરંતુ, નિકોલસ જ્યારે ઘેર જવા નીકળ્યો, ત્યારે તેનું મન પૂરેપૂરું આનંદિત રહ્યું ન હતું. ફૅન્ક ચિયરીબલ ગમે તેવો સારો જુવાન હતો; પણ તે પેલી યુવતીને કયા કારણે ઓળખતો હતો? ટિમ લિંકિનવૉટરે ફૅન્ક આવવાનો છે એમ નિકોલસને બેએક દિવસ અગાઉ જ્યારે કહ્યું હતું, ત્યારે તેણે એટલું જ જણાવ્યું હતું કે, કૅન્ક ચાર વર્ષથી જર્મનીમાં પેઢીનું કામકાજ સંભાળતો હતો, અને છેલ્લા છ મહિનાથી ઉત્તર ઈગ્લેંડમાં નવી એજન્સી સ્થાપવાના કામે લાગી ગયો હતો. પણ હવે તેને અહીં લંડનના કામમાં જ નાંખવાના ઇરાદાથી પાછો બોલાવવામાં આવી રહ્યો હતો. તે તો ઠીક, પણ પેલી યુવતીની ઉંમર જો સત્તરેક વર્ષથી વધુ ન હોય, તો પછી ફ્રેન્ક જ્યારે પરદેશ જતાં પહેલાં પેલીને છેલ્લો મળ્યો હોય, ત્યારે એ યુવતી બાર-તેર વર્ષની છોકરી જ હોય. તો શું કૅન્ક તેને એટલી બધી નાનપણથી ઓળખતો હશે? અને તે વખતથી તેને તેના પ્રત્યે પ્રેમ થયો હશે? પેલી યુવતીએ પણ નાની ઉંમરથી જ પોતાનો પ્રેમ તેને આપ્યો હોય, એમ બને?
ફૅન્ક પેઢીના અહીંના કામકાજમાં જ જોડાવા આવતો હોય, તો નિકોલસને એ પેઢીમાં આગળ વધવાની તક એટલી ઓછી થાય. પરંતુ નિકોલસને કૅન્ક તરફ એ કારણે જરાય અદેખાઈ ન આવી; પરંતુ પોતાના મનમાં વસેલી યુવતીના પ્રેમનો ભાગીદાર બનીને તે આવ્યો, એ કારણે, રહી રહીને નિકોલસના મનમાં ફ્રેન્ક કાંટાની પેઠે ખૂંચવા લાગ્યો!