________________
મિ. કૅન્ક ચિયરીબલ
૨૪૫ તે વખતે અચાનક પેલાનું મોં નજરે પડતાં નિકોલસ બોલી ઊઠયો, “અરે, એ માણસને પહેલાં મેં કયાંક જોયો લાગે છે!”
“એમ?” પેલો જુવાનિયો બોલી ઊઠયો.
“હા, મને ખાતરી છે, – પણ ક્યાં જોયો હશે,– હા, થોભો! હા, હા! પેલી રજિસ્ટર-ઑફિસનો એ કારકુન છે -ટૉમ એનું નામ. હવે મને તેનું મોં બરાબર યાદ આવ્યું.”
આમ, નોકરી માટેની એ રજિસ્ટર-ઑફિસને પોતાના જીવનમાં અણધારી જ અવારનવાર સામી આવીને ઊભી રહેતી જોઈ, નિકોલસ મનોમન નવાઈ પામવા લાગ્યો.
પેલા જુવાનિયાએ હવે, પોતાને ખાસ જરૂર હતી ત્યારે પોતાનો પક્ષ લેવા બદલ, નિકોલસનો આભાર માન્યો અને પોતાનું કાર્ડ તેના હાથમાં મૂક્યું, જેથી લંડનમાં જ ફરી કોઈ વાર નિકોલસ ધારે તો તેને મળવા આવવાની તકલીફ લઈ શકે. | નિકોલસ એ કાર્ડ વાંચતાં જ ચેંકી ઊઠયો. તે બોલ્યો, “મિ0 કૅન્ક ચિયરીબલ! ચિયરીબલ બ્રધર્સના ભાણેજ, જે આવતી કાલે સવારે આવવાના હતા તે જ?”
“ઠીક, હું એ પેઢીનો ભાણેજ નથી, પણ એ પેઢી જે બે ઉત્તમ ભાગીદારોની બનેલી છે, તેમનો ભાણેજ તો છે જ અને મને એમનો ભાણેજ હોવાનું અભિમાન પણ છે. અને તમે મિત્ર નિકલ્દી છો, એ પણ હવે વગર કહ્યું હું જાણી ગયો છું, કારણ કે તમારા વિષે મામાઓએ મને ઘણી વાર લખેલું છે! આમ આપણે અચાનક ભેગા થઈ ગયા એ ખરું, પણ તેથી કરીને તમને મળવાથી મને જરાય ઓછો આનંદ થયો છે એમ રખે માનતા!”
નિકોલસે ભાવપૂર્વક તેના બંને હાથ હાથમાં લઈ ખૂબ હલાવ્યા. પછી જેન બ્રાઉડીના નિમંત્રણથી તેના ઓરડામાં જ તેઓ અર્ધોએક કલાક ગાળવા ગયા.