________________
મધુર અકસ્માત
૨૦૫ એ ભલા ડોસાએ, શિષ્ટાચારની પરવા કર્યા વિના, કેવળ સુજનતાથી જ એ પ્રશ્ન પૂછયો હોઈ, નિકોલસ તેમને ના ન પાડી શક્યો. ઉપરાંત નિખાલસતા પણ ચેપી વસ્તુ છે. એટલે નિકોલસે, ખાસ કોઈ નામઠામ દીધા વિના, પોતાનો ઇતિહાસ, તેમને ટૂંકમાં કહી સંભળાવ્યો.
ડોસાએ લક્ષ દઈને એ બધી વાત સાંભળી, અને એ વાત પૂરી થતાં જ તરત નિકોલસના હાથને પોતાની બગલ નીચે દબાવી, જાણે તેને પરાણે ઘસડી જતા હોય તેમ તે બોલ્યા, “એક શબ્દ પણ નહીં, એક વાત પણ નહીં ! ચૂપચાપ મારી સાથે ચાલ્યા આવો; એક મિનિટ પણ બગાડવાની નથી.”
એટલું કહી, શેરીમાંથી નિકોલસને બહાર ખેંચી જઈ, એક ઑમ્નીબસમાં તેને આગળ ધકેલી, ડોસા પણ પોતે તરત દાખલ થઈ ગયા.
બસમાં બેઠા પછી નિકોલસ નવાઈ પામી કંઈક બોલવા-પૂછવા ગયો; પણ ડોસાએ, કોઈ લેણદાર દેવાદારનો કશો વિશેષ ખુલાસો સાંભળવા ઇચ્છતો ન હોય તે રીતે, તેને કશું જ ન બોલવા, હુકમભરી અદાથી જણાવી દીધું.
નિકોલસ પણ, આ બધાનું છેવટ શું આવશે એ વિચારતો, એ ડોસાની મુખમુદ્રા તરફ નવાઈ પામી જોઈ રહ્યો.