________________
૩૯ મધુર અકસ્માત
પોતાની બહેન અને માતાને મિસ લા ક્રીવીના મકાનમાં લાવી દીધા પછી, નિકોલસે નૉઝને ત્યાં એકલા પડેલા સ્માઇકનો વિચાર કરવા માંડ્યો. સ્માઇકને હવે પોતાના કુટુંબના માણસોની આગળ રજૂ કરવો જોઈએ, એ તેને જરૂરી લાગતું હતું.
નિકોલસને પોતાની બહેન ઉપર તો પાકો ભરોંસો હતો કે, તે પોતાની ઇચ્છા મુજબ સ્માઇકને તરત રાજીખુશીથી અપનાવી લેશે. પરંતુ પોતાની મા વિષે નિકોલસને ભારોભાર શંકા હતી. કૌટુંબિક ઊંચનીચભાવ વગેરે બાબતના તેના ખ્યાલો જરા વિચિત્ર હતા. અને સ્માઇકને જો પોતાના કુટુંબમાં યોગ્ય વર્તાવ ન મળે, તો તેની સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી જાય, એ પણ નક્કી હતું. તેના સમુચિત વિકાસ માટે હવે કૌટુંબિક હૂંફ અને મોકળી મમતાની તેને ઘણી જરૂર હતી, એમ નિકોલસને લાગ્યું.
છતાં, એ ભલા છોકરાનો પોતા ઉપરનો ભાવ જોયા બાદ, મિસિસ નિકલ્બી પણ તેના ઉપર ભાવ રાખતાં થશે, એવી શ્રદ્ધાથી નિકોલસ સ્માઇકને હવે પોતાને ત્યાં તેડી લાવવા માટે નૉગ્સને ત્યાં ગયો.
નિકોલસે તેને કહ્યું, “ચાલ ભાઈ, હવે હું તને ઘેર લઈ જવા આવ્યો છું.”
ઘેર? મોટાભાઈ, મારે ક્યાંય જવું નથી, હું તો તમારી સાથે જ રહીશ, બીજે ક્યાંય નહિ.”
૨૦૦