________________
૧૭૩
છોકરીઓના શિકારીઓ “દિયરજી, તમે આ સહસ્થને કહી શકો છો કે, કેટ નિકલ્બી મારી પુત્રી જ છે,” મિસિસ નિકલ્બી ફુલાઈ જઈને તરત બોલી ઊઠયાં.
“આમનાં સુપુત્રી, “માઈ લૉર્ડ!” આ માનનીય બાનુનાં સુપુત્રી !” મલબેરી પોતાના લૉર્ડ મિત્ર તરફ જોઈને જાણે અતિ હર્ષિત થઈ ગયો હોય એમ બરાડવા લાગ્યો.
“હું? તે “નામવર લૉર્ડ' છે, એની મને ખબર જ ન હતી.” મિસિસ નિકલ્બી એક લૉર્ડ અને તેનો મિત્ર પોતાની અને પોતાની પુત્રીની ઓળખ માટે આટલા આતુર છે, એ જોઈ રાજી થઈ જઈને બોલ્યાં.
મારા લૉર્ડ, આ બાનુએ કૃપા કરીને સ્વીકારેલી લગ્નજીવનની જવાબદારીનું જ સુફળ ત્યારે આપણને જોવા મળ્યું હતું. આ બાજુ મધુર મિસ નિકલ્બીનાં માતુશ્રી થાય; નામવર, એ ન હોત તો મિસ નિકલ્બી પણ ન હોત !”
મિસિસ નિકલ્દી આ મોટી બીના આવા મોટા લોકો એકદમ સમજી શક્યા તેથી ખૂબ પ્રભાવિત થઈ ગયાં. લૉર્ડ ફ્રેડરિકે હવે તેમને પૂછયું, “મિસ નિલ્બી સાજાસમાં તથા મજામાં છે ને?”
તદ્દન મજામાં છે, નામવર! એની ખબર પૂછવા બદલ આપનો ઘણો ઘણો આભાર માનું છું. અહીં એ જમવા આવી હતી ત્યાર બાદ કેટલાક દિવસ સુધી તે બીમાર પડી ગઈ હતી – કદાચ ભાડાની ઘોડાગાડીમાં બેસીને ઘેર આવી તેથી જ શરદી થઈ આવી હશે. મારા લૉર્ડ, ભાડાની ઘોડાગાડીઓ જેવી ભૂંડી ચીજ કોઈ નથી. તેમના બધા હાંકેતુઓને તો દેશનિકાલ જ કરવા જોઈએ. માઈ લૉર્ડ, કેટ જે ઘોડાગાડીમાં બેસીને આવી હતી, તેનો કાચ જ ફૂટેલો હતો. હું અમારી પોતાની ઘોડાગાડીમાં બેસીને કેટલેય દૂર સુધી જતી, છતાં કદી મને શરદી થઈ નથી. આવી ભાડાની ઘોડાગાડીઓમાં બેસવું, તેના કરતાં તો ચાલી નાખવું જ હું વધુ પસંદ કરું...”