________________
૧૪૬
નિકોલસ નિકબી
હતો, અને બીજી બાજુ છેક જ કંગાળ અને અણઘડ જેવો ચેલ્સી લત્તો. એ લત્તાના લોકો જાણે પેલાં અમીર કુટુંબોનાં ગેરકાયદે બાળકો જેવા હતા - મોટાં કુટુંબો સાથેનો સંબંધ તેમને હલકી કોટીના લોકો આગળ ડંફાસ મારવા માટેના કામમાં જ આવે; બાકી પેલાં મોટાં કુટુંબો તેમની સાથે કશો સંબંધ દેખાડવા રાજી હોતાં નહિ.
ઠઠારાથી કપડાં પહેરેલા દરવાને બારણું ઉઘાડયું. તેને કેકે પોતાનો ઓળખ-પત્ર આપ્યો, તે તેણે બીજા એક વર્દીધારી હજૂરિયાને આપ્યો, જે તેને એક તાસકમાં મૂકી ઉપર તેની શેઠાણીને આપવા લઈ ગયો.
થોડી વારે તે હજૂરિયો ઉપરથી આવીને બેઉને દીવાનખાનામાં લઈ ગયો. ત્યાં મિસિસ વિટિટ્ટર્લી, કરમાયેલા પુષ્પની જેમ, થાકેલા જેવાં દેખાતાં, ખુરશીમાં બેઠાં હતાં; એક સુંદર કૂતરો તેમના પગ પાસે આગંતુકો ઉપર તડીને મિસિસ વિટિટ્ટર્લીને કંઈક મોજ પૂરી પાડે તે માટે બેઠો હતો; અને એક હજૂરિયો બાઈસાહેબને જોઈએ ત્યારે ચૉકલેટ આપવા માટે તૈયાર ઊભો હતો.
કેટ નમસ્તે કરી નમ્રતાથી છાપાંની જાહેરખબરની વાત કરી અને તે જગા માટે પોતાની ઉમેદવારી રજૂ કરી.
પેલાં બાનુએ કેટનાં ઓળખાણ વગેરે બાબત, અભ્યાસ બાબત, અને ખાસ તો ‘મિજાજ’ બાબત પડપૂછ કરી. કેટે સૌ પ્રશ્નોનો યથાયોગ્ય જવાબ વાળ્યો. પરંતુ મિસિસ નિકલ્બીએ એ બધા જવાબમાં ખૂટતી મુદ્દાની વાત સંભળાવવા પોતાનો પરિચય ઉમેરવા માંડયો, તથા પોતાના પતિએ પોતાની સલાહ ન માનવાથી છોકરાંની કેવી ગત કરી મૂકી છે, ઇ0 વાતો ડહોળવા માંડી. કેટે મહાપરાણે તેને એ તેનું પુરાણ ગાવામાંથી રોકી રાખી.
પેલાં બાનુએ હવે પોતાના પતિને અંદર આવવા કહેણ મોકલ્યું. પતિએ અંદર આવી, પત્નીની ખુરશીની બાજુએ ઊભા રહી, નીચા નમી, ધીમા અવાજે કંઈક વાતચીત કરી, અને પછી કેટને સંબોધીને કહ્યું, “મારે બહુ અગત્યની બાબત એ ઉમેરવાની રહે છે કે, મિસિસ