________________
૧૩૦
નિકોલસ નિકલ્બી આમ ઉતાવળો ન થાત; અને યોગ્ય વખતે હું મારી ભત્રીજીને તેની નજર આગળથી દૂર કરી લેત.”
ધૂંવાંપૂવાં થતો મલબેરી ચાલ્યો ગયો. કેટ હવે ધ્રુસકે ધ્રુસકે રડતી સોફા ઉપર નીચું મોં રાખી ગબડી પડી. રાલ્ફ પોતાના કોઈ પણ દેણદારને તેના એકના એક બાળકની મૃત્યુ-પથારીએથી પણ, જરાય ખચકાયા વિના, પકડાવીને બેલીફને સોંપી દીધો હોત; અને તેના હૃદયાફાટ રુદનથી તેના હૃદય ઉપર જરાય અસર ન થઈ હોત. પણ આ છોકરી તેની દેણદાર ન હતી, એટલું જ નહિ, તેના બોલાવ્યાથી જ આવી હતી, અને તે પણ કશા લોભમાં નહિ. એટલે એ છોકરીનું રુદન જોઈ, તેનું પથ્થર સમાન હૃદય પણ ધ્રૂજી ઊઠ્યું.
“શાંત થા, દીકરી! હવે શાંત થઈ જા.” “કાકા, કશું બોલ્યા વિના મને એકદમ ઘેર રવાના કરી દો.” રાલ્ફ તેને ટેકો આપી બારણા આગળ લીધી. અને તેને ઘોડાગાડીમાં બેસાડ્યા પછી જ તેની પાસેથી તે છૂટો પડયો. કેટ તે વખતે ચોધાર આંસુએ રડતી રડતી બોલી –
“કાકા, કાકા ! મેં તમારું શું બગાડ્યું હતું કે તમે મારી આ વલે કરી? મેં મન-વચન-કર્મથી કદી તમારું બૂરું વાંછયું હોત તોપણ, તમારા સદ્ગત ભાઈને યાદ કરીને તમારે મને આવી સજા કરવી જોઈતી ન હતી.”
ઘોડાગાડી ચાલતી થઈ ત્યારે કેટના રડતા મોંમાં રાલ્ફને પોતાના ભાઈનું બાળપણમાં તકરાર વખતે રડતું મોં અચાનક દેખાયું. તે એકદમ લથડિયું ખાઈ ગયો, અને જાણે કબર પારની દુનિયાનું કોઈ સત્ત્વ જોયું હોય તેમ, છળી ઊઠીને ઘરમાં પાછો ફર્યો.