________________
૧૩
સ્માઇક! કહેવાની જરૂર નથી કે, નિકોલસે મટિલ્ડા પ્રાઈસના દેખતાં પોતાનું કરેલું અપમાન કૅનીને હાડોહાડ લાગી ગયું: “એક રખડતો ભામટો –જેને મારા બાપુ વર્ષે પાંચ પાઉંડને પગારે રસ્તા ઉપરથી ઉપાડી લાવ્યા હતા, અને જેને તેની મા ખાવા-પીવા વગેરે બધી બાબતમાં ફાવે તેમ કનડતી હતી, તેણે મારો હાથ’ સ્વીકારવાની ના પાડી? એ મૂરખ એટલું પણ ન સમજ્યો કે, મારી મીઠી નજર તેણે સ્વીકારી લીધી હોત, તો તેનું જીવન કેટલું સુખી થઈ ગયું હોત? લે ત્યારે, હવે તું આ ઘરના છાપરા નીચે રહી, મા અને દીકરી બંનેના ગુસ્સાનો અને તિરસ્કારનો ભોગ બની કેવો સુખી થાય છે, તે હું બતાવું છું!”
પણ એટલું જ બસ ન હતું. તે લોકોએ તેને પજવવાનો અને ચીડવવાનો બીજો એક માર્ગ પણ લીધો, જેમાં રહેલ ભારોભાર અને ન્યાય અને ક્રૂરતાથી તો નિકોલસ સમસમી જવા લાગ્યો.
વાત એમ છે કે, જે રાતથી શાળાના વર્ગમાં નિકોલસ સ્માઇક સાથે માયાળુતાથી બોલ્યો હતો, તે રાતથી તે બાપડો, નિકોલસને કંઈ કરતાં કંઈ મદદ કરી શકાય કે તેની નાની સરખી પણ સેવા બજાવી શકાય, તે માટે થઈ શકે તેટલી દોડાદોડ કર્યા કરતો. સ્કવીયર્સના ઘરમાં આ વાત બહુ વખત છાની ન રહી. એટલે નિકોલસ ઉપર જે દાઝ કાઢી ન શકાય, તે હવે આ બાપડા સ્માઇક ઉપર કાઢવાની શરૂ થઈ. નિકોલસ એ લોકોની આ કંગાલિયત અને કાયરતા જોઈને કંપી ઊઠવા લાગ્યો.