________________
૮૦
નિકોલસ નિકલ્ટી જો મિ. નિકલ્બી હજ એ બાબતમાં શંકા ધરાવતા હોય, તો તે જાણી લે કે, તેમના અંતરના એ પ્રેમનો સામેથી હાર્દિક જવાબ વાળવામાં આવ્યો છે—” ફેની નરમ મધુર અવાજે ગણગણી.
“થોભો, થોભો,” નિકોલસ ઉતાવળમાં બોલી ઊઠયો; “મારી વાત મહેરબાની કરીને પૂરી સાંભળી લો. આ તો ભારે ગોટાળો – મોટો ભ્રમ ચાલતો હોય એમ લાગે છે. મેં આ જુવાન બાનુને ભાગ્યે અર્ધો ડઝન વખત જોયાં હશે; પણ જો મેં તેમને સાઠ વખત જોયાં હોત કે સાઠ હજાર વખત પણ જોયાં હોત, તોય તેમને વિષે કોઈ પણ પ્રકારની ભીની લાગણી હું ધરાવતો થાઉં, એ બની શકે એમ જ નથી. કારણ કે, સાચું કહું તો, – તેમની લાગણી દુભાવવાના ઈરાદાથી નહિ, પણ તેમને વસ્તુસ્થિતિની જાણ કરવા ખાતર જ હું કહું છું, – ફરી આ તરફ પાછા કદી ન વળવું પડે એવા નિર્ણય સાથે આ શાપિત સ્થાનમાંથી જલદીમાં જલદી ચાલ્યા જવાની જ મારા અંતરમાં હંમેશ તીવ્ર ઇચ્છા રહે છે.”
સ્પષ્ટ શબ્દોમાં આટલું પૂરેપૂરી ગરમીથી કહી દીધા બાદ, વધુ કિંઈ સાંભળવાની રાહ જોવા વિના, નિકોલસ થોડું નમીને ત્યાંથી ચાલતો થયો.