________________
નિકોલસ નિકલ્ટી કેટ, મારી દીકરી, તારા કાકાને તેમનું કહેવાનું જલદી પૂરું કરવા દે,” મિસિસ નિકલ્વીએ કહ્યું.
“હું પણ, મમ્મી, એ જે કહે તે આતુરતાથી સાંભળવા તૈયાર ઊભી છું,” કેટે જવાબ આપ્યો.
“જો તને આતુરતા હોય, તો તારા કાકાને તારે બોલવા દેવા જોઈએ. એમનો સમય બહુ કીમતી ગણાય. અને આપણા તો એ નિકટમાં નિકટના સગા છે, એટલે તે આપણી સાથેની તેમની મુલાકાત વધુ લંબાવે એમ આપણે ગમે તેટલું ઇચ્છતાં હોઈએ, તોપણ આપણે તેમનાં અગત્યનાં બીજાં રોકાણોનો ખ્યાલ રાખવો જોઈએ. આપણે નથી સ્વાર્થી થઈએ, એ સારું ન કહેવાય. શહેરમાં તારા કાકાને કેવાં કેવાં ને કેટલાં કેટલાં કામ હોય–”
મેડમ, તમારો આભાર માનું છું,” રાલ્ફ છાસિયું કરતાં કહ્યું “પણ તમારા કુટુંબમાં કામકાજની ટેવો ઊતરી ન હોવાથી કામકાજ કરવાને બદલે શબ્દોનો જ નાહક ખર્ચ કરવાની ભારે કુટેવ પડી ગઈ છે. કામકાજની વાત ઉપર તો કોઈ ઝટ આવતું જ નથી!”
“તમારી વાત તદ્દન ખરી છે! કોઈને કામકાજનો કશો ખ્યાલ જ નથી. હું જો ન હોત, તો બિચારા તમારા ભાઈના કુટુંબની –”
“બાપડા મારા ભાઈને, ધંધારોજગાર શાને કહે, એની ખબર જ ન હતી : એ શબ્દનો અર્થ શો થાય છે, એ જ તે જાણતો નહોતો.”
ખરી વાત છે,” મિસિસ નિલ્ટીએ આંખો ઉપર રૂમાલ દાબતાં કહ્યું, “આટલાં, વર્ષ હું જો તેમની પાસે ન હોત, તો એક દિવસ તેમનું ઘર ચાલવાનું નહોતું, તેના કરતાં તો હું બીજા કોઈને પરણી હોત, તો કેટલી સુખી થઈ હોત –
અને મિસિસ નિકલ્બીને પોતાની હજાર પાઉંડની દહેજ તરત આંખ સામે તરી આવી, અને પરિણામે તેમનાં આંસુનો ધોધ પણ વધી ગયો.