________________
૬૯
નિકોલસ પછી કેટલી વારી “મૅડમ, દુનિયાની બધી વ્યર્થ પ્રવૃત્તિઓમાં, ગયેલા દિવસો માટે આંસુનું ટીપું પાડવા જેવી વ્યર્થ પ્રવૃત્તિ, બીજી કોઈ હું માનતો નથી. એટલે પોકળ આંસુ પાડવાને બદલે હવે તમે તમારાં છોકરાં ઉપર, નાની ઉંમરથી જ, કામકાજ અને ધંધા-રોજગારની ટેવો પાડવા માંડો, તો બહુ છે. આ જુઓ, તમારી દીકરીને માટે હું એક કપડાં તૈયાર કરનારી અને વેચનારી બાઈને ત્યાં નોકરી શોધી લાવ્યો છું.”
“કપડાં સીવનારી?”
“હા, હા, મૅડમ, તમારી મરજી એમ હોય તો તેને કપડાં સીવનારી’ કહો તોય ચાલે; પણ લંડન શહેરમાં કપડાં સીવનારી એટલે તમારા ગામડાગામની દરજણ કંઈ ન સમજવી. એ તો મોટી ઉમરાવજાદી જેવી જ બાઈ હોય – જેને પોતાનાં માનવંતાં ઘરાકો સાથે વાત જ કરવાની હોય. કામ કરવા તો બીજી કેટલીય બાઈઓ તેના હાથ નીચે હોય છે. આ તો મોટી કંપની કહેવાય – કંપની. અને તે દહાડે તેમાં તો માલામાલ થઈ જવાય, સમજ્યાં? એ બાઈનું નામ મૅડમ મેન્ટલિની છે. અને કૅવેન્ડિશ સ્કૉર નજીક તેનું મોટું મકાન છે. જો તમારી દીકરી એ કામકાજને પોતાના બરનું ગણવા તૈયાર હોય, તો હું તેને અબઘડી ત્યાં લઈ જવા તૈયાર છું.”
મિસિસ નિકલ્ટીના અંતર સમક્ષ હવે એકદમ વેસ્ટ એન્ડમાં મહેલ જેવી એક દુકાન, અને તેમાં છેવટે ભાગીદાર બનીને હાથમાં બૅકની મોટી ચેકબૂક સાથે રાજરાણી જેવાં કપડાં પહેરીને ફરતી કેટ, તથા તે દુકાનના પાટિયા ઉપરના નામમાં “કેટ નિકલ્ટી’ એવા શબ્દોનો ઉમેરો-વગેરે બધું તરવરી આવ્યું. તે તરત અધીરી થઈ જઈને બોલી ઊઠી, “કેટ, તું તારા કાકાને જવાબ તો આપ!”
કેટ, કાકાની સાથે કેવેન્ડિશ સ્કવૅર તરફ મૅડમ ઍન્ટેલિનીની દુકાને જતી વખતે રસ્તામાં તેમનો આભાર માનવાનું મોકૂફ રાખી, તરત જ તૈયાર થવા દોડી.