________________
લે મિઝરાઇલ અર્ધા કલાકમાં તો કોસેટ એક સારી તાપણીના તાપથી ફરી સજીવ બનીને પેલા બુઢ્ઢા માળીની પથારીમાં ઘસઘસાટ ઊંઘી ગઈ.
પીઠનો પ્રાચીન મઠ કઠર તપસ્વિની સાધ્વીઓનો મઠ હતો. વ્રત, તપ, ઉપવાસ અને જપમાં જ તેમનો સમય વ્યતીત થતો. તેમાંય વ્રતનો જે ખાસ દિવસો ગણાય. તે દિવસોમાં તો વળી વિશેષ કઠોર નિયમો તેમને પાળવાના હોતા.
સાધ્વીઓની વડી અધ્યક્ષ-માતા ત્રણ વર્ષ માટે ચૂંટાતી. બધી સાધ્વીઓ અધ્યક્ષ-માતાના હુકમોનો સંપૂર્ણ અમલ કરતી. એ વસ્તુ તેમના વ્રત-તપનો એક ભાગ જ ગણાતો.
જે વેદીની સમક્ષ સાધ્વીઓએ પોતાની કઠોર સાધનાઓ જીવન દરમ્યાન કરેલી હોય, તે વેદીની નીચેના ઊંડા ભોંયરામાં, મર્યા બાદ, સાધ્વીઓનાં શબ ઉતારવામાં આવતાં. પણ હવે સરકારે વાંધો નાખી એ રિવાજની બંધી કરી હતી, અને દૂર આવેલી જમીન ઉપરના કબ્રસ્તાનના એક ખાસ ખૂણામાં એક ખાસ કલાકે સાધ્વીઓનાં શબ દાટવાની સગવડ કરી આપી હતી. સાધ્વીઓને મન સરકારની એ દખલગીરી અક્ષમ્ય હતી.
આ મઠની સાથે કન્યાઓની એક છાત્ર-શાળા પણ જોડેલી હતી. તેમાં ઊંચાં ખાનદાનની તાલેવંત છોકરીઓ જ મુખ્યત્વે દાખલ થતી. નવા ભ્રષ્ટ જમાનાથી કલંકિત ન થાય તે રીતે પોતાની છકરીઓને ઉછેરવાની કેટલાંક માબાપને ખાસ ઈચ્છા રહેતી. પર્વના કેટલાક ખાસ દિવસોએ આ છોકરીઓને ખાસ મહેરબાની તરીકે અને ખાસ અધિકાર તરીકે સાધ્વીઓનો પોશાક પહેરવાની અને એક આખો દિવસ સાધ્વીઓના બધા કઠોર આચારનું અનુસંધાન કરવાની પરવાનગી મળતી.
વહેલી સવારે, આંખ ઊઘડતાં જ મેડલીન બાપુને પથારીમાં બેઠેલા તથા ઊંઘતી કેસેટ તરફ જોઈ રહેલા જોઈને