________________
ફેન્ટાઈન ‘એકદમ અહીંથી ચાલતા થાઓ!' મે. મેડલીને કહ્યું.
જાવર્ટે આ પ્રહાર રશિયન સૈનિકની પેઠે ખુલ્લી છાતીએ ઝીલ્યો. તે નગરપતિને જમીન સુધી નમન કરી, બહાર ચાલ્યો ગયો.
ફેન્ટાઇન ઘેનમાં હોય એમ બારણાને અઢેલીને ઊભી હતી. પોતાની નજર સમક્ષ બે વિરોધી સત્તાઓ વચ્ચે એક ભયંકર યુદ્ધ ખેલાયેલું તેણે જોયું. બંનેના હાથમાં તેની જિંદગી, તેનો આત્મા, અને તેનું બાળક હતાં. એ બેમાંનો એક માણસ તેને અંધકારમાં હંમેશ માટે ડુબાડી દેવા ઇચ્છતો હતો; બીજાએ તેને પ્રકાશમાં ફરી સ્થાપિત કરી હતી. દેવે દાનવને હરાવ્યો હતો, પણ કંપાવી મૂકે તેવી વાત એ હતી કે ફેન્ટાઇન પોતાને બચાવનાર દેવને જ આ ઘડી સુધી પોતાની બધી બરબાદીનું મૂળ ગણી ધિક્કારતી આવી હતી. અને જે ઘડીએ પોતે તેનું ઘોર અપમાન કર્યું હતું, તે ઘડીએ જ તેણે તેને હંમેશના અંધકારમાંથી બચાવી હતી. - મે. મેડલીન હવે તેના તરફ વળ્યા અને મહા પ્રયત્ન આંસુ રોકીને ધીમેથી બોલ્યા: “મેં તારી બધી વાત સાંભળી છે. તે જે કહ્યું તેમાંનું કશું હું જાણતો ન હતો. તે મને અરજી કેમ ન કરી? આજે હવે હું તારું બધું દેવું ચૂકવી દઉં છું અને તારી બાળકીને તેડવા માણસ મોકલું છું. તું પોતે જવા ઇચ્છે, તો તું જ તેને તેડવા જઈ શકે છે. ત્યાર પછી તારે અહીં રહેવું હોય તો અહીં રહેજે, અને પેરીસમાં રહેવું હોય તો પેરીસમાં રહેજે – આજથી તારું અને તારી બાળકીનું બધું ખર્ચ મારે માથે છે. તારું ઘોર દુ:ખ હવે દૂર થાઓ; અને તું તારું આત્મગૌરવ ફરીથી પ્રાપ્ત કર. હું તો એમ પણ કહું છું કે, પરમાત્માની નજરમાં તું કદી સદ્ગુણી અને પવિત્ર મટી જ નથી, બહેન!'