________________
બિશપનો મહેમાન
ઈ.સ. ૧૮૦૬માં ૬૬ વર્ષની આધેડ વયના મેં. ચાર્લ્સ મિરેલ ડી પરગણાના બિશપ (ધર્માચાર્ય)ને પદે નિમાઈને આવ્યા હતા. તેમની સાથે તેમનાં વૃદ્ધ કુમારિકા બહેન શ્રીમતી બેપ્ટિસ્ટાઇન હતાં. તે તેમનાથી ૧૦ વર્ષ નાનાં હતાં. ઉપરાંતમાં તે બહેનની જ ઉંમરની એક નોકરડી હતી. તેનું નામ મેંગ્લોઇર હતું.
મેં. મિશેલ નિમાઈને આવ્યા, ત્યારે ધર્માચાર્ય માટેનો આલશાન મહેલ તેમને ઉઘાડી આપવામાં આવ્યો. તે મહેલ પથ્થરનો બનાવેલો હતો, અને તેમાં મોટી મોટી કમાનોવાળાં ભવ્ય દીવાનખાનાં તથા ઓરડાઓ હતા. મહેલની આસપાસ મોટો બગીચો હતો. તેની પડોશમાં ધર્માદા ઇસ્પિતાલનું સાંકડું નીચું મકાન હતું. તેને ઉપર એક જ માળ હતો અને આસપાસ નાનોસરખો બગીચો હતો.
મેં. મિરેલ પોતાના આગમન બાદ ત્રીજે દિવસે ઇસ્પિતાલની મુલાકાતે ગયા. છવ્વીસ પથારીઓ અડોઅડ સંકડાશમાં ગોઠવેલી હતી. અંદર પૂરતી તાજી હવા આવી શકે એવું પણ ન હતું. કઈ રોગચાળો ફાટી નીકળતો, ત્યારે તો સો સો દરદીઓ એકીસાથે આવી પડતા. તે વખતે તેમની જગા કયાં કરવી, એની કોઈને ભાગ્યે સૂઝ પડતી.
મેં. મિરેલે એ બધું જોઈ, તરત ઇસ્પિતાલના વ્યવસ્થાપકને બોલાવી હુકમ આપ્યો કે, ઇસ્પિતાલને મહેલમાં ખસેડવી, અને ઇસ્પિતાલનું મકાન પોતાને રહેવા માટે ખાલી કરી આપવું!