________________
૧૭ સ્ત્રીની ઈર્ષ્યા
મેરિયસનો વિચાર પોતાના દાદા જીલેનોર્મન્ડ પાસે જઈ, કોસેટ સાથે લગ્ન કરવા માટે તેમની પરવાનગી લઈ આવવાનો હતો. કારણ કે, તે જો આ લગ્નમાં સંમત થાય, તો કોસેટનો બાપ કદાચ તેની સાથે કોસેટનું લગ્ન કરવા કબૂલ થાય.
દાદા જીલેનોર્મન્ડ મેરિયસ ક્યારે પાછો આવે, તેટલા જ માટે ટાંપી રહ્યા હતા. ઘરડા માણસને પૌત્ર માટે કેવા ભાવ હોય છે, તે જુવાનિયાંને ઝટ સમજાતું નથી. દાદા બહારથી જેટલો ગુસ્સો બતાવતા, તેટલા જ અંદરથી મેરિયસ માટે બળ્યા કરતા હતા. પરંતુ તેમનો આકળો ઉગ્ર સ્વભાવ એવો હતો કે, પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે પણ તે બૂમબરાડા અને ઘૂરકાટ સિવાય બીજી રીતે જાણતા ન હતા. ' મેરિયસના જ વિચારોમાં તે ચિતિત થઈને બેઠા હતા; અને તે બાબતની પોતાની લાગણી. પોતાની કુંવારી દીકરી પાસે મેરિયસને ગાળો દઈને, તથા તેને ફરી કદી ઘરમાં ન પેસવા દઉં, એમ કહીને વ્યક્ત કરતા હતા. તેવામાં મેરિયસ આવીને સામો ઊભો રહ્યો.
મેરિયસને જોઈ, ડેસા પોતાની ઢબે જ તેનો સરકાર કરવા લાકડી વીંઝતા ઊભા થયા. પણ મેરિયસનો કંગાળ દેખાવ, તેનાં કંગાળ કપડાં, અને તેની ગાંડા જેવી ચકળવકળ થતી આંખો જોઈ, તેમની આંખમાં આંસુ આવી ગયાં.
મેરિયસે જ્યારે પોતાના આગમનનું પ્રયોજન જણાવ્યું, ત્યારે તેમણે પૂછ્યું કે, “તું શું કમાય છે, અને તે છોકરી પાસે કેટલી મિલકત છે?'