________________
૧૧૫
મેરિયસ પગલાં ભરે છે ત્યાં પહોંચાડી દેવામાં આવશે. પણ જો તમે મને કે મારા સાથીઓને પકડાવી દેવા પ્રયત્ન કરશો, તો મારો સાથી તમારી પુત્રીને શું કરશે, તે કહેવાની જરૂર નથી.”
મેરિયસને હવે પોતાની ભૂલ સમજાઈ. પેલી કેસેટને અહીં લાવવાની જ નથી! પિસ્તોલ ફોડવાથી પણ હવે કશું ન વળે; કારણ કે આ લોકો અહીં પકડાય, તો પેલો ખવીસ કોસેટને તો મારી જ નાખે !
અચાનક દાદરનું બારણું ઊઘડયું અને વસાયું. કેદી પોતાના દોરડામાં સળવળ્યો. એટલામાં થનારડિયર બાનુ ધમ ધમ કરતી અને હાંફતી હાંફતી દાખલ થઈ, અને ત્રાડ નાખતી બોલી, “ખોટું સરનામું !'
થેનારડિયર ગુસ્સે થઈને ઊભો થઈ ગયો, અને કેદી પ્રત્યે બોલ્યો : “ખોટું સરનામું ! તેં એથી શાની આશા રાખી હતી ?'
“વખત મેળવવાની !' કેદીએ રણકતે અવાજે જવાબ આપ્યો. અને એ જ ક્ષણે તે પોતાનું દોરડાંનું બંધન ખંખેરી નાખીને ઊભો થયો અને સીધો ભઠ્ઠી પાસે પહોંચી ગયો. તેમાંથી તરત તેણે પેલી લાલચોળ થયેલી ફરસી ઉપાડી લીધી.
આ બનાવને અંતે જે પોલીસતપાસ થઈ હતી, તે દરમ્યાન પોલીસના હાથમાં તાંબાનો એક-સૂનો સિક્કો આવ્યો હતો. તેને વિચિત્ર રીતે ફાડેલો હતો. એવા સૂ વહાણ ઉપરના કેદીઓ છુટકારાની આશાએ સાદાં સાધનોથી અથાગ ધીરજ અને મહેનતથી બનાવે છે. છરી વડે ઢબૂ જેવા “સૂ’ના સિક્કાની બે ફાડ બનાવવામાં આવે છે. બંને ફાડીને અંદરની બાજુએથી ખોતરીને કરાય તેટલી પોલી કરવામાં આવે છે અને છેડા તરફ પેચ જેવો એક આંટો પાડીને બંને ફાડ પાછી બરાબર વળગાડી દેવાય તેવું બનાવવામાં આવે છે. એના પોલાણમાં ઘડિયાળની સિપ્રગનો કટકો સંતાડી રખાય છે.