________________
નવા ચહેરા, નવી પિછાન કહી શકે છે કે, તારે એવો બાપ હતો જે તને ખૂબ ચાહતો હતો !'
તે દિવસે મેરિયસ તે ભલા ડોસા સાથે વાતો કરતો કરતો તેના મકાન સુધી ગયો. પછી ત્રણ-ચાર દિવસ પ્રવાસનું
અને શિકાર-પાર્ટીનું બહાનું કાઢી, ફરી વર્નોન આવી, પિતાની કબરને વળગી, કલાકોના કલાકો સુધી તે રડ્યો.
ત્યાંથી પાછા ફરી, કૉલેજની લાઇબ્રેરીમાં જઈ, “મોનિટર” નામની લશ્કરી છાપાની ફાઇલ કેટલાય દિવસ સુધી કલાકોના કલાકો બેસી, તેણે આખી જ વાંચી કાઢી.
નેપોલિયન મહા-સૈન્યનાં બુલેટિનો વાંચતાં વાંચતાં જ્યારે પહેલી વાર તેને પોતાના પિતાનું નામ અને તેમના પરાક્રમનો અહેવાલ વાંચવા મળ્યાં, ત્યારે તેને થરથરાટી સાથે તાવ ચડી આવ્યો, અને તે તાવ પૂરું એક અઠવાડિયું રહ્યો. પોતાના પિતાએ જે સેનાપતિઓના હાથ નીચે કામ કરેલું, તે બધાને તે મળી આવ્યો. મેરિયસ હવે આ વિરલ, ભવ્ય તથા નમ્ર માણસને – પોતાના પિતાને – સમજવા લાગ્યો. સમજવા લાગ્યો એટલે ચાહવા લાગ્યો, અને ચાહવા લાગ્યો એટલે પોતાના એ પિતાથી હંમેશને માટે પોતાને અળગો પાડનાર દાદાને અંતરથી ધિક્કારવા લાગ્યો.
મેરિયસ હવે પોતાના પિતાએ આપેલ પદના સ્વીકાર રૂપે “બૅન મેરિયસ પોન્ટમર્સી' નામનાં સો કાર્ડ છપાવી લાવ્યો. એ થપ્પી તે પોતાના ખિસ્સામાં જ રાખતો. પિતાએ છેવટના લખેલો કાગળ માદળિયામાં ઘાલી તેણે ગળે બાંધવા માંડયો. પિતાની અંતિમ ઇચ્છા મુજબ તે મેંટપણ જઈ આવ્યો અને થેનારડિયર નામના વીશીવાળાની શોધ કરી આવ્યો. પણ તેને ખબર મળી કે, થેનારડિયરે દેવાળું કાઢ્યું હતું, અને તે કયાં ચાલ્યો ગયો તે કોઈ જાણતું ન હતું.