________________
લે મિઝરાઇલ હાથ ઉપરની વીંટી કાઢવા જતાં, તેને જીવતો જોઈ ઢગલામાંથી બહાર ખેંચી કાઢયો.
નેપોલિયનના પતન બાદ ફ્રાંસમાં રાજવંશની ફરી સ્થાપના થઈ. રાજા લૂઈ ૧૮માએ નેપોલિયને આપેલા કશા હોદ્દા કે પદવીઓ મંજૂર ન રાખ્યાં. ૧૮૧૫માં મૅડમ પોન્ટમર્સી એક બાળક પુત્ર મેરિયસને પાછળ મૂકી મરણ પામી. એ પુત્ર બાપની એકલવાયી જિંદગીમાં આનંદનું સ્થાન થઈ પડત. પણ મેં. જીલેનોર્મન્ડે તે બાળક પોતાના હાથમાં સોંપી દેવામાં આવે તો જ તેને પોતાની મિલકતનો વારસદાર બનાવવાનું જાહેર કર્યું; અને હવે ગરીબ બની ગયેલા બાપે છોકરાનું હિત વિચારી
એ વાત કબૂલ રાખી. તે પોતે વર્નોનમાં સીન નદીના ડાબા કિનારા ઉપરની નાની વાડીમાં રહેતો અને કામકાજ કરતો.
મેં. જીલેનોર્મન્ડ પોતાના જમાઈને ચેપી રોગ જેવો ગણી તેની સાથે કઈ પણ જાતનો સંબંધ રાખતા નહીં. જમાઈ ચોરીછૂપીથી પુત્રને મળવાનો કે તેની સાથે વાતો કરવાનો પ્રયત્ન પણ ન કરે, તેની તે ખાસ કાળજી રાખતા. નાના મેરિયસને એવો ખ્યાલ ઠસાવવામાં આવ્યો હતો કે, તેનો બાપ છે, તે પણ સારો માણસ નથી; અને તેની સાથે કશો સંબંધ રાખવો એ પાપ છે.
મેરિયસ પોતાની ૫૦ વર્ષની કુંવારી માસી સાથે સેંટ સપાઇસના દેવળમાં પ્રાર્થના માટે આવતો. ત્યારે પોન્ટમસ પણ એક-બે મહિને ગુપચુપ વર્નાનથી પેરીસ આવી, એ દેવળમાં એક જગાએ થાંભલા પાછળ બેસી, દૂરથી પોતાના છોકરા તરફ આંસુભરી આંખે જોઈ રહેતો. વર્નોનના પાદરીનો ભાઈ મેબોફ પેરીસના એ દેવળનો વર્ડન – અધિકારી હતો. તેણે ઘણી વાર એ દશ્ય નિહાળ્યું હતું. અને પછી પૂછપરછથી તેની કહાણી જાણી લીધી હતી.