________________
૩૦
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! પ્રસ્તુત નવલકથા એ લેખકની એક લોકપ્રિય વાર્તા તરીકે યુરોપ અને બહાર બધે જાણીતી થઈ છે. આ વાર્તામાંથી સહેજ નિર્દેશ લઈને આપણા લોકકવિ સદ્દગત મેઘાણીભાઈએ “વસુંધરાનાં વહાલાં દવલાં' લખેલી. કોઈ મનોરમ ચિત્ર જોતાં, તેની એકાદ બે રેખાઓ પકડી લઈને એના ઉપરથી કલાકાર કોઈ સ્વતંત્ર ચિત્ર દોરે, એના જેવું એ ગણાય. સંપૂર્ણ સોરઠી અને તળપદા રૂપરંગવાળી એ સ્વતંત્ર કલાકૃતિ પણ એટલી જ સુંદર બની છે. સમાજને છેક નીચેને તળિયે અનેક પ્રકારની ગંદકી અને ગરીબીમાં સબડતાં લોકોની એક વિશાળ અને વાસ્તવિક સૃષ્ટિ જ એમાં આબેહુબ ખુલ્લી કરી દીધી છે; એટલું જ નહિ પરંતુ, એ સૃષ્ટિમાં પણ કેવું હૃદય-સૌદર્ય પડેલું છે એની સમૃદ્ધિનું દર્શન કરાવીને વાંચનારના દિલમાં ગરીબોની દુનિયા પ્રત્યે કરુણા, સહાનુભૂતિ અને આદર પ્રગટાવ્યાં છે. પણ એ વાત અહીં રહેવા દઈએ.
હૃગની આ વાર્તા ૧૮મા સૈકાના યુરોપનું – ખાસ કરીને ઇંગ્લેન્ડના સમાજનું પણ એવું જ આબેહુબ દર્શન કરાવે છે. વાંચનારને એ ક્ષણમાં જ વાસ્તવિક સુષ્ટિમાંથી વાર્તાસૃષ્ટિમાં ખેંચી જઈને એની સાથે તદાકાર કરી દે છે એટલું જ નહિ પરંતુ, એ વાર્તાસૃષ્ટિ, વાસ્તવિક સૃષ્ટિ કરતાંય વધુ વાસ્તવિક હેય એ અનુભવ કરાવે છે. મહાન કૃતિઓની એ જ ખૂબી હોય છે. માનવજીવનના કેટલાક મૂળમત અને શાશ્વત ઉરધબકાર એમાં ઝિલાવાને કારણે એ કૃતિઓ સર્વ કોઈને હૃદયંગમ બની જાય છે. સ્થળ, કાળ, ભાષા કે વર્ણની મર્યાદાઓ એને બહુ નડતી નથી. એટલે જ તે કાળિદાસ અને શેકસપિયર, શરતુચંદ્ર, ડૂમા કે ડિકન્સ અથવા ટૉલ્સ્ટૉય, રમે રોવાં કે રવીન્દ્રનાથ જેવાની કૃતિઓ દુનિયાભરમાં બધે જ અને બધે વખતે એકસરખા રસ અને આનંદથી વંચાય છે.
પ્રસ્તુત વાર્તા આવી એક કલાકૃતિ છે. હૃગ જેવા કલાકારની વાર્તાકૃતિમાં વાર્તારસ તે છોછવ હેય એમાં શી નવાઈ. પરંતુ એની અન્ય નવલકથાઓના હિસાબે પ્રમાણમાં નાના ફલકમાં સમાયેલી આ વાર્તાકથામાં પણ વિચાર-મૌક્તિક, ચિંતન-કણિકાઓ, તત્ત્વદર્શનનાં તેજકિરણે, ભાવનાના મનોહર રંગ વગેરે ભરપૂર ભરેલાં છે, વાંચનારના ચિત્તને પ્રકાશ અને પ્રેરણાથી ભરી દે છે. સાથે સાથે હૃદયને આંચકો આપે એવાં સામાજિક જીવનનાં કઠોર સત્ય વિધાને તેમ જ ચોટદાર વ્યંગક્તિઓ પણ ઠેરઠેર વેરાયેલ છે, જે વાંચનારને ઊંડે વિચાર કરતા કરી મૂકે છે.