________________
પ૬
ડૉન કિવકસોટ! જાગતો પડ્યો હતો, તે તેને સંકેત પ્રમાણે ઓરડામાં પેસતી જાણી રાજી રાજી થઈ ગયો હતો. પણ પછી ઘણી વાર થવા છતાં તેને પોતાની પાસે ન આવેલી જાણી, તથા વચમાં ડૉન કિવક્સોટના ડામચિયા આગળ જ કંઈક અવાજ થતો સાંભળી, ધીમેથી સરકતો તે પાસે આવ્યો. તરત જ તેને ખબર પડી ગઈ કે, એ બટકીનો કશો વાંક નથી: તે તો છૂટવા તરફડિયાં મારે છે, પણ અધવચ જ તેને પેલા ઘાયલ બદમાશે પકડી રાખી છે. તરત તેણે ઊભા થઈ, પોતાની કટારને ઊંધેથી પકડી તેની મૂઠનો ડૉન કિવકસોટના મોં ઉપર એવા જોરથી ફટકો માર્યો કે, તેમનું માં લોહીલોહાણ થઈ ગયું. અને એટલાથી સંતોષ ન માની, તે સીધો ડામચિયા ઉપર ચડી જઈ, પોતાના પગની લાતો વડે ડૉન કિવસોટને ગોલવા લાગ્યો.
એ ડામચિયો આમ તો હાલક-ડોલક જ હતો; તેમાં આ રીતે ઊભા ઊભા કૂદતા વણજારાનો વધારાનો ભાર આવ્યો, એટલે તરત તેના પાયા મચડાઈ ગયા અને બધું ધબાકા સાથે નીચે પડ્યું. વીશીવાળો એ અવાજ સાંભળી જાગી ઊઠયો. તેને ખાતરી થઈ ગઈ કે તેની પેલી બટકી નોકરડીનું જ કંઈક પરાક્રમ હોવું જોઈએ! તેણે તેને નામ દઈ બોલાવી જોઈ; પણ કશો જવાબ ન મળતાં, તે ગુસ્સાથી ધૂંવાંપૂવાં થઈ, દીવો સળગાવી, જ્યાંથી અવાજ આવતો હતો તે તરફ આવવા નીકળ્યો.
પેલી બટકીને શેઠના કરડા મિજાજની ખબર હતી, એટલે તે ભયની મારી સરકીને સાન્કોની પથારીમાં ઓછાડ નીચે પેસી ગઈ. થોડી વારમાં જ વીશીનો માલિક હૂંફાડા મારતો ત્યાં આવી પહોંચ્યો. “પેલી ડાકણ કયાં મરી ગઈ?” એમ તેણે જોરથી ત્રાડ નાખી. એ અવાજ સાથે સાન્કો તરત જાગી ઊઠયો અને પોતાની ઉપર કંઈક અસાધારણ વજન પડેલું જોઈ, તથા સ્ત્રીનાં જટિયાં પોતા ઉપર વિખરાઈને પડેલાં જોઈ, પોતાને કોઈ ડાકણ વળગી છે એમ તેણે માની લીધું. તેના પંજામાંથી જ છૂટવા તેણે પોતાના બંને હાથે જોરથી ઠોંસા લગાવવા માંડ્યા. પેલી બટકીએ હવે પોતાની બંને બાજુથી મરો થયેલો જાણી, સાન્કોને મુક્કીઓ અને કોણીઓથી જવાબ વાળવા માંડયો. સાન્કોની ઊંઘ હવે પૂરેપૂરી ઊડી ગઈ હતી અને તે એ બટકી સાથે જીવલેણ યુદ્ધમાં મચી પડયો.