________________
૫૫
વીશી કે કિલ્લો? તેમને યાદ આવી. પરંતુ આવી યુવાન, સુંદર માયાળુ ઉમરાવજાદીની પ્રેમ-યાચના પોતે નિષ્ફર થઈને નકારી શી રીતે શકે, એમ પણ તેમને લાગવા માંડ્યું. એટલે તેમણે નક્કી કર્યું કે, એ સુંદરી જો રાતે એકાંતમાં પ્રેમ-યાચના કરતી આવે, તો તેને હવે ચાંપી, પોતાની લેડી ડુલસિનિયા પ્રત્યેની આકરી પ્રતિજ્ઞા કહી સંભળાવવી, તથા તેના અત્યંત ઉત્કટ પ્રેમનો ઉચિત જવાબ વાળવાની પોતાની પામર અશક્તિ જાહેર કરવી. તેમ છતાં પોતાના હૃદયમાં તેણે ન ભૂંસી શકાય તેવું કાયમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એ તો પૂરેપૂરા પ્રેમથી અને વહાલથી તેને જણાવવું જ!
હવે એ જ અરસામાં પેલી બટકી નોકરડી, બધાને જંપી ગયેલા જાણી, પેલા વણજારા સાથેનો સંકેત પૂરો કરવા અંધારામાં લપાતી-છુપાતી તે ઓરડામાં આવી, અને હાથ વડે પેલાની પથારી ફંફોસતી આગળ વધવા લાગી. ડૉન કિવકસોટ તેને બારણામાંથી પેસતી સાંભળી ગયા હતા, એટલે પથારીમાં જરા ઊંચા થઈ પોતાના હાથ લંબાવી તેનું સ્વાગત કરવા ઉત્કંઠ થઈ ગયા. હવે પેલી હાથ લાંબા કરી, ત્યાં થઈને સીધી સામે ખૂણે સૂતેલા વણજારા પાસે જવા લાગી કે તરત તેનું કાંડું ડૉન કિવકસોટના હાથમાં આવી ગયું.
ડૉન કિવકસોટ પોતાની ધારણા મુજબ બધું બનેલું જાણી ખુશખુશ થઈ ગયા. પોતાની વીરતાની એક સુંદરી તરફથી થયેલી આ કદરથી ગ૬ગદિત થઈ, તેમણે એ બટકીને પોતાની પથારીમાં ખેંચીને બેસાડી. તેનું કેનવાસનું કપડું તેમને ઊંચી જાતનું રેશમી કપડું લાગ્યું – જે તેણે પોતાના માનવંત પ્રેમી પાસે આવવા ખાસ પહેર્યું હશે! ઘોડાની કેશવાળી જેવાં તેનાં જટિયાં તેમને સોનેરી જરીના લાંબા લહેરાતા તાર જેવાં લાગ્યાં; તેના હાથ ઉપરની કીડિયાંની સેર, તેમને સાચાં મોતીના કંકણ રૂપ લાગી; અને સડેલા માંસ જેવી તેના મોંની દુર્ગધ તેમને અરબસ્તાનનાં કીમતી અત્તરોના મિશ્રણરૂપ લાગી. ટૂંકમાં એક વણજારા સિવાય બીજા કોઈ પણ માણસને જે સ્ત્રીથી ઊબકો આવી જાય, તે સ્ત્રી તેમને સ્વર્ગની અપ્સરા કરતાં પણ વધુ મધુર લાગી. - પેલી બટકી અધવચ જ પોતાને ડામચિયા ઉપર ખેંચાઈ ગયેલી જાણી, છૂટવા માટે સતપતાટ કરવા લાગી. પેલો વણજારા તેની રાહ જોઈ