________________
બિશ્કેયન સવાર થયું અને સૂર્યનાં કિરણો મોં ઉપર પડ્યાં એટલે ડૉન કિવકસોટે સાન્કોને ઉઠાડ્યો. ડૉન કિવક્સોટે તો સવારે પણ નાસ્તો કરવાની ઇચ્છા ન કરી; કારણ કે તેમણે તો આખી રાત લેડી ડુલસિનિયાનાં મનભાવતાં સ્મરણો જ વાગોળ્યા કર્યા હતાં. પરંતુ સાન્કોએ તો પેલી મશકમાંથી મોટા મોટા બેત્રણ ઘૂંટ ભર્યા. આગલી રાત કરતાં મશક ઘણી ખાલી તથા હલકી થઈ ગઈ હતી, એ જોઈ તેને મનમાં થોડુંક દુ:ખ જરૂર થયું, કારણ કે, એ મશક મરજીમાં આવે ત્યારે ખાલી કરવાની તેને સગવડ હતી, પણ પાછી ભરવાની સગવડ તેને આસપાસ નજીકમાં કયાંય દેખાતી ન હતી. | મુસાફરી આગળ વધતાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં લેપીસ ઘાટ તેમની નજરે પડ્યો.ડૉન કિવકસોટનો જુસ્સો હવે વધવા લાગ્યો. તેમણે આવેશમાં આવી જઈ, સાન્કોને સંભળાવી દીધું, “ખબરદાર, હવે ગળાબૂડ પરાક્રમો કરવાનો વખત આવી લાગ્યો છે, હવે તારે એક અગત્યની વાત યાદ રાખવાની કે, મારા બચાવમાં તારે કદી તારી તરવાર વાપરવી નહિ કોઈ સામાન્ય હલકી વર્ણ મારી ઉપર તૂટી પડી હોય તો તું તારી તરવાર ખેંચે તેનો વાંધો નહિ; પણ કોઈ નાઈટ સાથે હું લડાઈમાં ઊતર્યો હોઉં, ત્યારે તારે કદી વચ્ચે પડવું નહિ; કારણ કે તારાથી નાઈટ સામે તરવાર ખેંચી શકાય નહિ, એવો કાયદો છે.”
“જરાય ફિકર ન કરશો,”સાન્કોએ ઝટ સંભળાવી દીધું; “કારણ કે હું સ્વભાવે બહુ શાંતિપ્રિય માણસ હોવાથી, મને તરવાર-ભાલાની ધમાચકડીમાં ખામુખા કૂદી પડવાનું બહુ પસંદ જ નથી. તેમ છતાં, મારા ઉપર સીધો હુમલો થાય, તો તે હુમલો કરનારો નાઈટ હોય કે સામાન્ય માણસ, પરંતુ હું મારું રક્ષણ જરૂર કરવાનો; તે વખતે હું તમારા કાયદાની મનાઈ