________________
શુભ પ્રારંભ
૨૯ બે દિવસ બાદ ડૉન કિવકસોટ હરતા ફરતા થયા એટલે પહેલું કામ તેમણે પોતાનાં પુસ્તકોવાળા ઓરડા તરફ જવાનું કર્યું. પરંતુ તેમને પોતાનો અભ્યાસનો ઓરડો જયો જ નહિ. કયાંય તેમને ત્યાં જવાનો રસ્તો કે બારણું જ દેખાયાં નહીં. સૌ ગુપચુપ તેમની હિલચાલ જોયા કરતાં હતાં, પણ કાંઈ બોલતાં નહોતાં. છેવટે ઠાકોરે ઘરકામવાળી બાઈને પોતાના અભ્યાસ-ગૃહનો રસ્તો બતાવવા કહ્યું, ત્યારે તેમની ભત્રીજી બોલી ઊઠી, “અરે કાકાજી, અમે તમને કહી શકયાં નહિ, પણ તમે બીમાર હતા તે દરમ્યાન એક જાદુગર વાદળ ઉપર સવારી કરીને ધસમસાટ આપણા ઘર ઉપર ચડી આવ્યો અને પુસ્તકો સાથેના એ આખા ઓરડાને લઈને તરત હવા થઈ ગયો !”
ડૉન કિવકસોટ જરા વિચારમાં પડી ગયા; પછી તરત તે બોલી ઊઠયા, “અહા, એ તો પેલો ફ્રેસ્ટોન હોવો જોઈએ; એનો માલિક નાઈટ મારો જીવસટોસટનો દુશ્મન કહેવાય; એટલે તેણે મને ઘાયલ અવસ્થામાં ઈજા પહોંચાડવા એને મોકલ્યો હોવો જોઈએ. પરંતુ સમ્રાજ્ઞી ડુલસિનિયાની આણ મારું રક્ષણ કરી રહી હોવાથી, તે મારો પુસ્તકોનો ખજાનો લઈ જઈને જ સંતોષ પામ્યો હશે. પણ તે બદમાશ નાઈટનો છૂપો ગઢ કયાં આવ્યો છે તેની મને ખબર છે; અને હું તેની અને તેના આવા બધા હરામજાદા સેવકોની બધી માયાજાળ જગતમાંથી ફિટાડીને જ જંપવાનો છું.”
આટલું કહી ડૉન કિવકસોટ ચૂપ થઈ ગયા અને પથારીમાં પડયા પડ્યા, એ નાઈટ ઉપર ચડાઈ કેવી રીતે લઈ જવી, તેનો જ વિચાર કરવા લાગ્યા.
આમ, આ લોકોએ તેમના હિતમાં વિચારેલો ઉપાય ખરેખર તો ઠાકોરને તેમના ગાંડપણમાં વધુ ધકેલનારો જ નીવડ્યો.