________________
૧૮
ડૉન કિવકસોટ! કરવાનો વિધિ હું સમાપ્ત કરવા માગું છું. જે કિલ્લામાં દેવ-મંદિર ન હોય, ત્યાં ખુલ્લા મેદાનમાં જ દીક્ષા-વિધિ કરાય છે, એટલે તમે બહાર ખુલ્લામાં આવીને તૈયાર ઊભા રહો, હું બધી સામગ્રી લઈને આવી પહોંચું છું.”
નાઈટ’ લોકોનાં શાસ્ત્રોની આણ દઈને વીશીવાળાએ કરેલી આ વાતોથી ડૉન કિવન્સોટ બહુ પ્રભાવિત થયા અને બોલ્યા, “આપ નામદારનો હું ઘણો ઘણો આભાર માનું છું. હું પણ આ બધાનું છેવટ આવી જાય એમ ઇચ્છું છું. એક વાર દીક્ષિત થયા બાદ, પેલા ભામટાઓ મારા ઉપર ફરી હુમલો કરવાની હિંમત કરે, તો આખા ગઢમાંથી એક જણને જીવતો ન મૂકવાની મારી ઇચ્છા છે, – સિવાય કે આપ નામદાર આંગળી કરી કરીને જેને જીવતો છોડવા હુકમ કરો.”
વીશીવાળો હવે ઝટપટ પોતાના નામાનો ચોપડો લઈ આવ્યો, તથા સાથે પેલી બે જુવાન બાઈઓને બધું સમજાવીને લઈ આવ્યો. એક છોકરો હાથમાં સળગતી મીણબત્તી લઈને ઊભો રહ્યો. ત્યાર બાદ નામાનો ચોપડો ઉઘાડી, તેમાંથી જાણે કોઈ મંત્રપાઠ કરતો હોય તેમ ગણગણાટ શરૂ કરી, વીશીવાળાએ, ઘૂંટણિયે પડેલા ડૉન કિવકસોટની બોચી ઉપર જોરથી થપાકો માર્યો, ત્યાર પછી તેની તરવાર પકડી તેનો ચપટો ભાગ તેના ખભા ઉપર ઝાપટયો. આમ પોતાની બધી દાઝ એ બે પ્રહારોમાં કાઢી, પછી મંત્ર ગણગણવાનું ચાલુ રાખી, તેણે પેલી બેમાંથી એક યુવતીને નિશાની કરી; એટલે તેણે તે તરવાર, હસી ન પડાય તેમ, પૂરી ગંભીરતાથી નાઈટની કમરે બાંધી દીધી. આમેય સૌ કોઈને આ મશ્કરીરૂપ વિધિ જોઈ હસવું દબાવી રાખવાની કાળજી જ રાખવી પડતી હતી. પેલીએ તરવાર બાંધ્યા પછી આશીર્વાદ આપ્યા –“ભગવાન તમને ભાગ્યશાળી નાઈટ બનાવે અને તમારે હાથે વીરતાભર્યાં અનેક પરાક્રમ કરાવે!”
ડૉન કિવસોટે રાજી થઈ, તેની ઓળખ અને નામ પૂછયાં: તેણે તેમની તરવાર કેડે બાંધી આપવાનું શુભ કૃત્ય કર્યું હતું, અને એ રીતે તે તરવારથી થનારાં ભાવિ પરાક્રમોથી મળનારા યશમાં તે ભાગીદાર બની હતી. પેલીએ નમ્રતાથી જવાબ આપ્યો કે, પોતે પાસેના બજારમાં મોચીની દુકાન ચલાવતા માણસની પુત્રી છે, અને પોતાનું નામ તોલોસા છે.