________________
૨
વિજયપ્રસ્થાન
જુલાઈ માસના ગરમ દિવસોની એક વહેલી સવારે બખ્તરસજજ અને શસ્ત્ર-સજ્જ થઈને ડૉન વિકસોટ રોઝિનૅન્ટી ઘોડા ઉપર બેસી, કોઈને કશો વહેમ જવા દીધા વિના, ખુલ્લાં ખેતરો તરફ નીકળી પડયા. પોતાની વિજ્ય-યાત્રાની શુભ શરૂઆત આમ નિર્વિઘ્ન થયેલી જોઈ, તે અપરંપાર રાજી થયા. પોતાના માથા ઉપરનો ટોપ, મુસાફરી દરમિયાન ગબડી ન પડે તે માટે, તેને દોરી-પટ્ટીથી એકલે હાથે તાણી બાંધતાં તેમને ખરેખર મુશ્કેલી પડી હતી; તથા જૂનું બખ્તર શરીર ઉપર ભીડવું એ પણ સહેલી વસ્તુ જણાઈ નહોતી. પરંતુ કયાં મહાકાર્યો વળી સહેલાં-સુગમ હોય છે?
થોડે દૂર ચાલ્યા પછી તેમને એક ભયંકર વિચાર સતાવવા લાગ્યો: તેમને વિધિસર – નિયમ અનુસાર – કોઈએ ‘નાઈટ ’ તરીકે દીક્ષિત કર્યા નહોતા! એટલે તેમનાથી બીજા કોઈ દીક્ષિત ‘નાઈટ’ સામે શસ્ત્ર-યુદ્ધમાં ઊતરી શકાય જ નહિ! ઉપરાંત તેમને યાદ આવ્યું કે, દીક્ષા મળ્યા પછી પણ જ્યાં સુધી પોતે કોઈ સાધારણ પરાક્રમ કરી ન બતાવે, ત્યાં સુધી તે પોતાની ઢાલ ઉપર કોઈ મુદ્રા-ચિહ્ન ધારણ કરી શકે નિહ, તથા બખ્તર પણ તેમણે સફેદ જ ધારણ કરવું ઘટે.
પરંતુ શાસ્ત્રોમાં બધી મુશ્કેલીઓના અનેક આપ૬-ધમાં પણ વર્ણવેલા હોય છે. તેમને એવા દાખલા યાદ આવ્યા કે, તેમના જેવા કેટલાય નાઈટોએ વિજ્ય-યાત્રાએ નીકળ્યા બાદ રસ્તામાં જ કોઈની પાસેથી દીક્ષા લઈ લીધી હતી; અને સફેદ બખ્તરની બાબતમાં તેમણે એવો તોડ વિચારી કાઢયો કે પતરાને ઢેખલાથી વધુ ભારપૂર્વક ઘસવાથી, તે ધોળા રંગનું થઈ રહેશે.
८