________________
“શ્વેત-ચંદ્ર' નાઈટ જાદ ઈ પ્રભાવને નામે તેની ઘણી આકરી કિંમત ચૂકવી છે, એટલે હું કોઈને હજુ તેના વિશે વાત કરતો નથી; નહિ તો સૌ કોઈ મને મૂરખ માને. પરંતુ તમે તો આવી જાદુઈ શક્તિઓમાં વિશ્વાસવાળા છો; એટલે મેં તમારી હાજરીમાં તેની પરીક્ષા કરી જોવાનો વિચાર કર્યો છે.”
| ડૉન કિવકસોટ નવાઈમાં પડી ગયા. પરંતુ પછી બોલ્યા ચાલ્યા વિના તે ઍન્ટોનિયો સાથે ઓરડાની બહાર નીકળી ગયા. ઍન્ટોનિયોએ ભારે ગુપ્તતા જાળવતો હોય તેમ એ ઓરડાને પછી તાળું મારી દીધું.
પછી બપોરના સમયે તે બખ્તર વગેરે પહેરી શહેરમાં ફરવા નીકળ્યા, ત્યારે કેટલાક તોફાનીઓએ તેમના ઘોડાના અને સાન્કોના ગધેડાના પૂંછડા નીચે બારીક કાંટાવાળી સળીઓ દબાવી દીધી એટલે ઘોડું તથા ગધેડું ભડકીને ખૂબ નાઠાં. એ બધી વાતોની પણ નોંધ લેવાની જરૂર નથી. દરેક ગામમાં અને શહેરમાં એવા તોફાનીઓ તથા નાલાયકો હોય જ છે, જેઓ ભલા દેખાતા માણસની પીઠ પાછળ ગમે તેવું નામ લખેલું કાગળિયું ચિપકાવી દેવું, વગેરે તોફાનો કરતા જ રહે છે.
બીજે દિવસે ઍન્ટોનિયોએ ડૉન કિવકસોટ, સાન્કો, પોતાની પત્ની, તેની બે સખીઓ (જેમણે આગલી રાતે ડૉન કિવકસોટને ચિડવવામાં નૃત્ય વખતે ખાસ ભાગ લીધો હતો), તથા એક બે ખાસ અંગત મિત્રો – એટલાની હાજરીમાં જાદુઈ માથાવાળો કમરો ઉઘાડયો. એ સૌને અંદર લીધા પછી તેણે ગંભીરતાથી જાહેર કર્યું કે, આ જાદુઈ માથું મારી પાસે ઘણા વખતથી છે, પણ આજે પહેલી જ વાર સૌને તેની જાણ કરું છું. જોકે, દરેક જણે એ બાબતમાં ગુપ્તતા જાળવી રાખવાની છે. (અર્થાત્ સૌએ તેની જાહેરાત કરવાની છે!)
ઍન્ટોનિયોએ પોતે જ પ્રથમ પ્રયોગ કરી જોયો. તેણે માથા પાસે જઈ મોટે અવાજે પોતાનો પ્રશ્ન પૂછયો: “હે જાદુઈ મસ્તક! તારા જાદુઈ પ્રભાવથી મને જવાબ આપ કે, મારા મનમાં અત્યારે શો વિચાર ચાલે છે?”
પેલા માથાએ સ્પષ્ટ સમજાય તેવી ભાષામાં, પણ હોઠ હલાવ્યા સિવાય જવાબ આપ્યો: “હું બીજાના મનના વિચારો જાણી શકતું નથી.”