________________
૨૬૦
ડૉન કિવકસોટ!
પોતાની મેળે એ ટકા ઝટ ખાઈ લેવા તૈયાર ન થતો હોય, તો પછી આપણે જ તેને ઉઘાડો કરીને ફટકારીએ, તો પણ શો વાંધો? વાત તો સાન્કો ફટકા ખાય તેની જ છે ને? પછી તે જાતે ખાય કે બીજો મારે તેથી ખાય, તેમાં શો ફેર પડવાનો? આમ વિચાર કરી, દૃઢ નિશ્ચય સાથે, તેમણે રોઝિનૅન્ટીની લગામ છોડીને હાથમાં લીધી અને પછી સાન્કોનું સૂંથણું છોડવા માંડયું. સાન્કો તરત જાગી ઊઠયો અને ‘શું છે,’ ‘શું છે,' કરી, બૂમ પાડવા લાગ્યો.
ડૉન કિવકસોર્ટ તરત જવાબ આપ્યો, “બસ, બીજું કાંઈ નથી, હવે તને હું આજે ત્રણ હજાર ને ત્રણસો ફટકા મારી લઉં, એટલે પૂરું થયું. તારે માથે એ દેવું છે, પણ તું જરાય મન ઉપર લેતો નથી ત્યાં સુધી લેડી ડુલસિનિયા રિબાય છે. માટે તું અત્યારે રાજીખુશીથી ફટકા ખાવા તૈયાર થઈ જા. મેં નક્કી કર્યું છે કે, ઓછામાં ઓછા બે હજાર ટકા તો પૂરા કરીને જ આ જગાએથી ખસવું છે.”
સાન્કોએ તરત જવાબ દીધો, “થોભો, થોભો, સાંભળો, જે ફટકા ખાવાના છે તે મારે રાજીખુશીથી ખાવાના છે, અને કોઈએ મને ફરજ પાડવાની નથી. હવે અત્યારે ફટકા ખાવાનો મારો જરા પણ વિચાર નથી; મને જયારે મન થશે ત્યારે હું પોતે – મારે સગે હાથે – એ ફટકા ખાઈ લઈશ, એવું તમને વચન આપું છું.
,,
ડૉન કિવકસોટે કહ્યુ, “ના, ના; હું હવે તારી વાત માનવાનો નથી; હું ચામડીનો બહુ સુંવાળો છે, અને તું તારી જાતે કદી ફટકા ખાવાનો નથી.”
આમ કહી, તે પરાણે સાન્કોનું સૂંથણુ ખેંચવા લાગ્યા. સાન્કો તરત પગ ઉપર ઊભો થઈ ગયો અને પોતાના માલિકને હડકવા આવેલો કલ્પી લઈ, હડકાયા કૂતરાનો સામનો કરે તે રીતે એ તેમની સામે થઈ ગયો. થોડી વારમાં તો તેણે તેમને પીઠ ઉપર ચત્તાપાટ ગબડાવી દીધા અને તેમની છાતી ઉપર ચડી બેસી તેમનું ગળું એટલા જોરથી દબાવ્યું કે, ડૉન કિવકસોટની આંખો ફાટી ગઈ. તેમણે રૂંધાતા સ્વરે કરાંઝીને કહ્યું, “બદમાશ, દગાબાજ, તારા માલિકનો – તારા અન્નદાતાનો જીવ લેવા તૈયાર થયો છે, શું?”