________________
૨૩૫
સાન્કોનું ગવર્નર-રાજ! પેલા ભરવાડે પણ કહ્યું, “સાચી વાત છે નામદાર; એ કૂતરીના હાથમાંથી થેલી છોડાવવી અશકય છે; ડાકણે એવી તો ચપસીને પકડી રાખી છે!”
સાન્કોએ હવે એ બાઈ પાસેથી થેલી પોતાના હાથમાં “જોવા માગી. પેલીએ એ થેલી આપી એટલે સાન્કોએ એ થેલી પેલા ભરવાડને પાછી આપી દીધી અને પેલી બાઈને ઉદ્દેશીને કહ્યું, “બાઈ, તે થેલી પકડી રાખવામાં જે જોર બતાવ્યું છે, તેટલું જોર જો તારું શિયળ સાચવી રાખવામાં તે વાપર્યું હોય, તો મોટો હકર્યુલસ પણ તને નમાવી ન શકે. માટે તે તારી આપ-મરજીથી જ તારા શિયળને વટાવી ખાધું છે, એ સાબિત થઈ જાય છે. માટે અબઘડી તું મારા આ ટાપુની હદમાંથી તડીપાર થઈ જા; જો તું ટાપુથી બહાર પણ છ માઈલની હદમાં દેખા દે, તો તને પકડીને બસો ફટકા મારવાની સજા હું ફરમાવું છું. તારા જેવી કુંવારી બાઈઓ કે જેઓ પુરષોને લોભાવીને જાત વેચવાનું કામ કરે છે, તે તો વેશ્યાથીય વધુ ભૂંડી છે.” - સૌ દરબારીઓ સાન્કોના આ ચુકાદાથી મેંમાં આંગળાં નાંખી ગયા.
આ બાજુ લૂકને ત્યાં ડૉન કિવકસોટ ઉપર આલ્ટિસિડોરાનો મધુર હુમલો ચાલુ જ રહ્યો. સવારના પહોરમાં ડૉન કિવકસોટ તૈયાર થઈ ડણૂક અને ડચેસ તેમની રાહ જોતાં બેઠાં હતાં તે ઓરડામાં જવા નીકળ્યા, તેવામાં પ્રેમ-તલપાટ દાખવતી આલ્ટિસિડોરા તેની સખીને ટેકે ધીમે ધીમે ત્યાં ચાલી આવતી તેમને સામી મળી. આલ્ટિસિડોરાએ ડૉન કિવકસોટને જોયા કે તરત તે બેભાન થઈ તેની સખીના હાથમાં ગબડી પડી. ડૉન કિવકસોટ ‘શું થયું, ‘શું થયું? કરતા પાસે દોડી ગયા. પેલી સખી ભવાં ચડાવી ડૉન કિવક્સોટને ઠપકારતી કહેવા લાગી, “મારી જુવાન સખીને બીજું શું થવાનું હતું? તેના જેવી તબિયત આખા દરબારગઢમાં કોઈની નથી; પણ ગમે ત્યાંથી રખડતા નાઈટો આવી ચડે, જેમને સ્ત્રીઓનાં નરમ હૃદયોની કશી જ લાગણી ન હોય, ત્યાં ફૂલ જેવી બાપડીઓ સિઝાઈ ન જાય તો બીજું શું થાય? માટે તમે મહેરબાની કરીને અહીંથી દૂર થાઓ; તમે અહીં ઊભા હશો ત્યાં સુધી ભાગ્યે તે કંઈ ભાનમાં આવે.”