________________
મેનેસિનની ગુફા ડૉન ડાયેગો દ મિરાન્ડાએ હવે ડૉન કિવકસોટની હિંમત તથા બહાદુરીથી પ્રભાવિત થઈ તેમને તથા સાન્કોને પોતાને ત્યાં આવી થોડા દિવસ પોતાની પરોણાગત સ્વીકારવા વિનંતી કરી. ડૉન કિવકસોટે મહાનુભાવતા દાખવી તે વિનંતી સ્વીકારી.
ત્યાં ચાર દિવસ રહી, વાતચીત, ખાનપાન, આનંદપ્રમોદ વગેરે કરી, મિજબાનના આગ્રહથી સાન્કોની ઝોળી ખાદ્યપદાર્થો વગેરેથી સારી પેઠે ઠાંસીને ભરી લઈ, ડૉન કિવકસોટ અને સાન્કો સરગોસા તરફની પોતાની મુસાફરીએ આગળ ચાલ્યા.
આ વખતે રસ્તામાં એક વિદ્યાર્થી તેમની સોબતમાં જોડાયો. તેની તથા આસપાસના લોકોની વાતચીત ઉપરથી જાણવા મળ્યું કે, આ પ્રદેશમાં પાસે જ મોન્ટેસિનોની ગુફા છે. તેનું ઊંડાણ કેટલું છે, તે કોઈ કળી શકતું નથી; પણ તેને તળિયે અભુત દૃશ્યો જોવા મળે તેમ છે, એવી કિંવદંતી છે.
ડૉન કિવકસોટે નક્કી કર્યું કે, પોતે તે ગુફામાં ઊતરવું અને એ બધી કહાણીઓની સચ્ચાઈની ખાતરી કરી જોવી. પેલા વિદ્યાર્થીએ પોતાના કોઈ નજીકના સગાને ભોમિયા તરીકે વચ્ચેના ગામમાંથી લઈ લીધો તથા ગુફામાં નીચે સુધી ઊતરી શકાય તેટલું લાંબું દોરડું વગેરે જોઈતી સામગ્રીની જોગવાઈ કરી લીધી. આ વિદ્યાર્થીઓ પણ અલ્લડ જ હતા, અને તેમને તે ગુફામાં ઊતરવા તૈયાર થનારો આવો ગાંડો મળી આવ્યો, એટલે તેઓ ખૂબ ઉત્સાહમાં આવી ગયા.
રસ્તામાં રાત એક ગામડામાં ગાળી, તેઓ આગળ ચાલ્યા. ગુફાએ આવી પહોંચતાં તેમણે જોયું કે, તેનું મોં વેલા ઝાંખરાંથી છવાઈ ગયું હતું.
૧૮૬