________________
નવા પ્રયાણનો નિરધાર
૧૫૭ ડૉન કિવકસોટના મનનો રોગ નીકળવો મુશ્કેલ છે; અને સાજા થતાં જ તે પાછા તેમને જૂને રસ્તે ચાલી જ નીકળવાના!
ડૉન કિવકસોટે સાન્કોને અંદર બોલાવીને પૂછયું, “ભાઈ, તું એમ કેમ કહ્યા કરે છે કે, હું તને છેતરીને કે લોભાવીને તારી ઝૂંપડીમાંથી ખેંચી ગયો હતો? તે તારી ઝૂંપડી છોડી, તેમ મેં મારું મકાન પણ નહોતું છોડયું? આપણે બંને સાથે જ નીકળ્યા હતા, સાથે જ વિચર્યા હતા અને બધાં સુખદુ:ખ સાથે જ ભોગવ્યાં હતાં. તને એકાદ વખત શેતરંજીમાં નાંખી ઉછાળ્યો હશે, તો મને સેંકડો વાર મારપીટ વેઠવાની થઈ હશે. તું તો એ વાત બરાબર જાણે છે.”
“પણ માલિક, તમે કહેતા હતા ને કે, નાઈટો ઉપર જ લડાઈનો મુખ્ય ધસારો અને ઘસારો પડતો હોય છે, તેમના સ્કવાયરો ઉપર નહીં!”
પણ ભાઈ, નાઈટો અને તેમના સ્કવાયરો તો એક શરીરનાં જ બે જુદાં જુદાં અંગ જેવા ગણાય. માથું દુ:ખે તેની અસર બીજા અવયવોને થાય જ; તેમ જ બીજા અંગોને પીડા થતી હોય તે માથું પણ દુખે જ. તેમ તને દુ:ખ થાય તો તેની અસર મારા ઉપર પણ થાય; અને મને દુ:ખ પડે તેનો ભાગ તારેય વેઠવાનો થાય.”
“પણ જો એમ જ હોય, તો હું જ્યારે શેતરંજીમાં ઉછાળાતો હતો, ત્યારે શરીરનું માથું તો દીવાલ બહાર શાંતિથી ઊભું ઊભું જોયા જ કરવું હતું!”
“તારી ભૂલ થાય છે, ભાઈ, તું જ્યારે શેતરંજીમાં ઉછાળાતો હતો ત્યારે મને મનમાં જે પીડા થતી હતી, તે તારા શરીરની પીડા કરતાં ઓછી નહિ પણ વધારે હતી. પરંતુ આપણે એ વાત પડતી મૂકીએ ! હવે મારા વિશે લોકોમાં શી વાત ચાલે છે, તે મને કહે, સારા સગૃહસ્થો તેમ જ નાઈટ-લોકો માટે વિશે શું ધારે છે તે મને કહે; નાઈટપણાની પરંપરા છેક જ ભુલાઈ જવા બેઠી છે, તેને સજીવન કરવાના મારા પ્રયત્નો વિષે સૌ શું વિચારે છે તે પણ કહે– બધું જ જેવું હોય તેવું સાચેસાચું કહે.”