________________
આ દરમ્યાન જ માહૂિડ અને ટૉલેડો વચ્ચે આવેલા એક ગામડાની સ્ત્રીને પરણીને (ઈ. સ. ૧૫૮૪) સર્વોતે પોતાની નાણાંકીય મુશ્કેલીઓમાં સારો સરખો વધારો કર્યો. એ બાઈ દહેજમાં કશું જ લાવી ન હતી, જેથી તેની આર્થિક મુશ્કેલીમાં કંઈકે રાહત થાય.
આ દરમ્યાન જ તેને એક પોર્ટુગીઝ સ્ત્રી સાથે પ્રસંગ પડ્યો, જેની સાથે તેણે પછીથી લગ્ન પણ કર્યું. એ લગ્નથી તેને એક પુત્રી થઈ – ઇસાબેલ દ સાવદ્રા, જેણે તેના ધીરજવાન પિતાની મુશ્કેલીઓમાં અવારનવાર સારી પેઠે વધારો જ કર્યા કર્યો હતો.
કદાચ આ બધાં કૌટુંબિક દબાણો હેઠળ જ છેવટે તેને પોતાની કલમ છોડી સરકારી નોકરીમાં દાખલ થવું પડયું. તે અરસામાં બાદશાહ ફિલિપ-૨ ઈંગ્લેંડ ઉપર આખરી ચડાઈ કરવા પોતાનું નૌકાસૈન્ય તૈયાર કરી રહ્યો હતો; તે અંગે સર્વતને નૌકાસૈન્ય માટે ઘઉં અને તેલ એકઠાં કરનાર કલેકટર તરીકેની નોકરી મળી ગઈ.
- એ કામમાં વેપારી બુદ્ધિ અને કુનેહ જોઈએ. પરંતુ સર્વોત તો લશ્કરી પ્રકૃતિનો માણસ; એટલે બીજાઓ ઉપર વધારે વિશ્વાસ મૂકીને તે
આ કામ કરતો; તથા પોતા પૂરતી પણ હિસાબકિતાબની ચોકસાઈ તે રાખતો નહિ. તેને ગામડે ગામડે સરકારી ગોડાઉનો માટે ખાધાખોરાકીનો સામાન એકઠો કરવા રખડવું પડતું. દેવળના અધિકારીઓ પાસે પણ કંઈ ઉઘરાવવું પડતું. આ લાંબા ગાળા દરમ્યાન તેને હિસાબ ચૂકતે ન કરી શકવા બદલ સેવિલની જેલમાં પણ પુરાવું પડયું હતું. અને ત્યાર પછી પણ બીજી વાર મારપીટ અને ત્રાસ આપ્યા પછી તેને ફરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
કદાચ સેવિલના એ જેલવાસ દરમ્યાન તેણે “ડૉન કિવકસોટ” પુસ્તકનો પહેલો ભાગ લખવાની યોજના કરી. જોકે, એ બાબતની ખાતરી કોઈને નથી; કારણ કે, આ પહેલો ભાગ લખતા અગાઉનાં વર્ષોનો ઇતિહાસ સર્વોતના જીવનકાળમાં ઓછામાં ઓછો ઉપલબ્ધ છે.