________________
જ નાંખતા; પરંતુ, ઉપર જણાવ્યા પ્રમાણે, તેને રાજદરબારી અગત્યનો માણસ માનતા હોવાથી, તેઓએ તેને મારી ન નાંખ્યો.
છેવટે, તેના કુટુંબીજનોએ મૂર લોકો પાસેથી તેને છોડાવવા ભરણા તરીકે રકમ ભેગી કરી; અને નસીબે પણ જાણે તેની પાસેથી બીજું અગત્યનું કામ લેવા નિરધાર્યું હોય તેમ, સદ્ભાગ્યવશાત્ ટ્રિનિટિરિયન મઠવાસીઓની મદદથી ઈ. સ. ૧૫૮૦માં છૂટીને તે સ્પેન પાછો આવ્યો.
તે વખતે તેની ૩૦ વર્ષની ઉમર થઈ હતી, અને ઘરથી નીકળે દસ વર્ષ થયાં હતાં. તે દુનિયા બંદરે ઊતર્યો, ત્યારે તેના ખીસામાં કશું જ ન હતું. અને તેના અજીરિયાના બંદીવાસ દરમ્યાન, તેની પહેલાંનો કમાન્ડર ડૉન જુઆન પણ મરણ પામ્યો હોવાથી, તેને સ્પેનમાં આગળ કરે તેવું કોઈ ન હતું.
એટલે સ્પેન પાછા ફર્યા બાદ પણ તરત તો તે લશ્કરમાં જ પાછો જોડાયો; અને કદાચ પોર્ટુગલ સુધી કામગીરી બજાવી આવ્યો. પરંતુ એ અંગે નિશ્ચિત કશું કહી શકાતું નથી.
પણ એ લશ્કરી કામગીરી ચાલી હોય તો પણ થોડો જ વખત ચાલી હશે. એમ જ કહેવું જોઈએ કે, સ્પેન આવ્યા પછી તેણે તરવાર છોડીને કલમ જ હાથમાં પકડી. આ અરસામાં તેની પ્રથમ કૃતિ “ગેલેશિયા' પ્રસિદ્ધ થઈ. તે એક ભરવાડકથા છે, તથા તેમાં દુહા-ગીત વગેરે વધુ છે. જોકે, તેનો પહેલો ભાગ જ પ્રસિદ્ધ થયો અને તેનો બીજો ભાગ પૂરો થયો જ નહિ. ત્યાર બાદ તેનાં બે નાટકો પ્રસિદ્ધ થયાં. તેમાંનું એક અજીરિયાની રીતરસમો અંગે છે, અને બીજું રોમન આક્રમણકારોના ન્યુમૅન્શિયનોએ કરેલા સામના અંગે છે.
આ સાહિત્ય-વ્યાપારથી તેને ધનપ્રાપ્તિ તો નહીંવત્ જ થઈ. એટલે દરમ્યાન તેને પુસ્તકોની જાહેરાત અર્થે ચૌદ લીટીઓમાં સૉનેટકાવ્યો પૈસા લઈને લખી આપવાનો ધંધો પણ કરવો પડ્યો. એક કાવ્ય તો મૂત્રાશયનાં દરદો અંગેની એક ચોપડીની જાહેરાત માટે હતું!