________________
ડૉરોધિયાની વીતકકથા
૧૨૧ પાદરી-બુવા તેની વાત પૂરી થતાં તેને આશ્વાસનના કંઈક શબ્દો કહેવા જતા હતા તેવામાં કાર્ડિનિયોએ તરત ડૉરોધિયા પાસે જઈ, તેનો હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, “બા, તમે જ કિલયોનાર્ડોનાં સુપુત્રી ડૉરોધિયા છો કેમ? હું પોતે જ કાર્ડિનિયો છું, જેને લ્યુસિન્હાએ પોતાના પતિ તરીકે જાહેર કર્યો હતો, અને બદમાશ ફર્ડિનાન્ડે જેને વિશ્વાસઘાત કરીને દગો દીધો છે. હું પણ અહીં એ જ રીતે મારું દુ:ખ સહન ન થઈ શકવાથી, મારા જીવનનો અંત લાવવા આવી પડ્યો છું. પરંતુ તમે જે વાત કરી તે ઉપરથી લાગે છે કે, પરમાત્મા કૃપા કરે તો મારું અને તમારું બંનેનું દુ:ખ દૂર થઈ શકે તેવી આશા છે. તમારો ફર્ડિનાન્ડ લ્યુસિન્ડાને પરણી ન શકયો હોવાથી હજુ તમને ફરીથી પ્રાપ્ત થઈ શકે અને મને લ્યુસિન્ડા પણ ફરીથી મળી શકે. તમારી કહાણી સાંભળી હવે મને પોતાને પણ તમારું દુઃખ દૂર થાય અને ફર્ડિનાન્ડ તમને સ્વીકારી લે એવું કરવાનો પ્રયત્ન કરવાનું મન થાય છે. અને અહીં આ સૌ લોકોની સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે, જ્યાં સુધી તમારું દુ:ખ દૂર નહિ થાય અને ફર્ડિનાન્ડ તમારો ફરીથી સ્વીકાર નહિ કરે, ત્યાં સુધી હું કદી તમને છૂટાં મૂકીશ નહિ.”
ડૉરોધિયા આ ભલા જુવાનિયાની આ રીતની ભલી લાગણી જાણી આનંદથી ગદગદિત થઈ ગઈ અને બીજા સ ત્યાં ન હોત તો તે તેને પગે જ પડી હોત.
પાદરી-બુવાએ કાર્ડિનિયોને તેના આ શુભ નિરધાર માટે ખૂબ ધન્યવાદ આપ્યા. ઉપરાંત તેમણે એ બંનેને ડૉન ફર્ડિનાન્ડને શોધી કાઢવા તથા ડૉરોધિયાને તેના બાપને સહીસલામત સુપરત કરવાના ઉપાય વિચારવા પોતાને ત્યાં શાંતિથી આવીને રહેવા પણ નિમંત્રણ આપ્યું, જે તે બંનેએ આભારપૂર્વક સ્વીકાર્યું. હજામે પણ એ બાબતમાં પોતાનાથી બની શકે તે મદદ કરવા તૈયારી બતાવી.