________________
૯૮
ડૉન કિવકસોટ! તરત જ ડૉન કિવકસોટ બોલી ઊઠયો – “વાહ, વાહ, એ તો બહુ સરસ વાર્તા છે, અને લેડી લ્યુસિન્હાએ જો તે વાર્તા વાંચવા માગી હોય, તો તો તે ભારે બુદ્ધિશાળી અને સુંદર બાનુ હોવાં જોઈએ, એમ હું તમારા કહ્યા વિના પણ માની લેવા તૈયાર છું. મેં એ બધી ચોપડીઓ વાંચી છે અને મારી સલાહ લીધી હોત, તો હું તમને તે ચોપડી સાથે ડૉન રમૂગેલની વાર્તા પણ તેમને વાંચવા આપવાનું કહેત. મારી પાસે એ ચોપડી પણ હતી; અલબત્ત, કેટલાક દુષ્ટ જાદુગરો મારો આખો ઓરડો ભરેલી એ ચોપડીઓ ઉડાવી ગયા છે...”
ડૉન કિવકસોટ આટલું બોલી રહ્યા કે તરત પેલાએ એકદમ કહ્યું, “પણ ઍમેદિસ દગોલની વાર્તામાં રાણી મેડેસીમાનો પ્રસંગ આવે છે; તો શું તમે એમ માનો છો કે, તેને તેના વૈદ્ય એલિસબાત સાથે ગેરકાયદેસર સંબંધ નહોતો? જો તમે એમ માનતા હો તો તમારા જેવો બીજો ગધેડો કોઈ નથી.”
ડૉન કિવકસોટ તરત બોલી ઊઠયા, “શું રાણી મેડેસીમાના ચારિત્ર્ય ઉપર શંકા લાવવામાં આવે છે? પ્રેમ-શૌર્યની કથાઓની એ મહારાણી – તેના ઉપર? હું એ મહારાણીની ગેરહાજરીમાં તેમના નામ ઉપર લગાવાનું કલંક જરા પણ સહન કરી શકીશ નહિ. જે એવો આક્ષેપ કરવાની હિંમત રાખતો હોય, તે મારી સાથે દ્વંદ્વયુદ્ધ કરીને તે વાતનો ફેંસલો કરી લે.”
પેલાએ તો આ વાત સાંભળતાં જ એક ધારદાર મોટો પથરો લઈને ડૉન કિવકસોટની છાતીમાં એવા જોરથી માર્યો કે તે તરત નીચે ઢળી પડયા. સાન્કો વચ્ચે પડવા ગયો તો તેને પણ પેલાએ એક હડસેલો મારી નીચે ગબડાવી પાડ્યો અને પછી તેના મોટા ફુલેલા પેટ ઉપર એવા જોરથી કૂદવા માંડયું કે, બિચારાનો સોથો જ વળી ગયો. પેલો ભરવાડ વચ્ચે પડવા ગયો તો તેની પણ એ જ વલે થઈ. પછી એ ત્રણેને એકબીજા ઉપર નાખી, સામટા થોડા ઠાંસા લગાવી, પેલો તરત ઝાડીમાં નાસી ગયો.
સાન્કોને આમ વિના કારણ તડી. પડવાથી બહુ ખોટું લાગ્યું હતું. તેણે પેલા ભરવાડનો દોષ કાઢતાં તેને જણાવ્યું કે, “આ માણસ ગાંડો છે એ બાબત તે અમને પહેલેથી ચેતવ્યા કેમ નહીં?”